- જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચા વહેંચીને રહ્યા છે ભાજપનો પ્રચાર
- ગત ટર્મમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સેજાભાઈ કરમટાએ ચા વહેંચતા વહેંચતા મેળવી હતી જીત
- આ વર્ષે સેજાભાઈ ચા વહેંચીને ભાજપના ઉમેદવાર અને તેમના પત્ની માટે મત માંગી રહ્યા છે
જૂનાગઢ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હાલ વિવિધ પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સેજાભાઈ કરમટા ચા વહેંચતા તેમના પત્નીનો ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ ઓજી જિલ્લા પંચાયત બેઠક પર સેજાભાઈ કરમટાના પત્ની ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે પૂર્વ પ્રમુખ સેજાભાઈ ભાજપના ઉમેદવાર તેમના પત્ની માટે ચા વહેંચવાની સાથે ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે. વર્ષ 2015માં સેજાભાઈ કરમટા ચા વહેંચીને વિજેતા બન્યા હતા અને જિલ્લા પંચાયતના અંતિમ અઢી વર્ષમાં તેમને પંચાયતના પ્રમુખ પણ રહ્યા હતા, ત્યારે જિલ્લા પંચાયતની મુદ્દત પૂર્ણ થવાના સમયે તેમને ભાજપમાં જોડાયા હતા. જેથી ચાલુ વર્ષે ભાજપના ઉમેદવાર તેમના પત્ની માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
2014 બાદ ચા અને ચૂંટણી પ્રચાર એકબીજાના પૂરક છે
વર્ષ 2014માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચા ચૂંટણી પ્રચારનો મુદ્દો બન્યો હતો. વડાપ્રધાન મોદીએ ચાય પે ચર્ચાથી લોકસભાની ચૂંટણી જીતીને પ્રચંડ બહુમત હાંસલ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2015માં જૂનાગઢ જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવાર સેજાભાઈ કરમટાએ પણ ચાને ચૂંટણી મુદ્દો બનાવીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવીને વિજેતા બન્યા હતા, પરંતુ 5 વર્ષની મુદ્દત પૂર્ણ થયા સુધીમાં સેજાભાઈ ભાજપના રંગે રંગાયા હતા અને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો, જ્યારે વર્ષ 2021ની જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઇ રહી છે, જેમાં સેજાભાઈ કરમટા ચા વહેંચીને પોતાની પત્નીને ચૂંટણી જંગ જીતાડવા માટે ભાજપનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.