તિરુવનંતપુરમ: કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં પોલીસે 18 વર્ષની દલિત એથલીટ સાથે જાતીય સતામણી મામલે 27 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 4 સગીર છે. પીડિત યુવતીએ રવિવારે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ સંદર્ભે, પોલીસે રવિવારે જણાવ્યું હતું કે 18 વર્ષની દલિત એથલીટે ફરિયાદ નોંધાવી હતી કે તેણીને પાંચ વર્ષથી વધુ સમયથી જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. આ કેસમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ચાર સગીરોની અટકાયત કરવામાં આવી છે. પથાનામથિટ્ટા જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલે બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વધુ દસ FIR નોંધવામાં આવી છે.
પોલીસે નોંધ્યો કેસ
પથાનામથિટ્ટા જિલ્લા પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુવતીના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાની વ્યાપક તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. પથાનામથિટ્ટાના નાયબ પોલીસ અધિક્ષક પીએસ નંદકુમાર જિલ્લા પોલીસ વડા વીજી વિનોદ કુમારની દેખરેખ હેઠળ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ટીમમાં વિવિધ રેન્ક અને પોલીસ સ્ટેશનના 25 પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
આરોપીઓની ધરપકડનો સિલસિલો
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા પોલીસ વડા દરરોજ આ કેસની તપાસની સમીક્ષા કરશે, નિવેદનમાં એ પણ જણાવાયું છે કે, પથાનામથિટ્ટા પોલીસ દ્વારા અગાઉ નોંધાયેલા સાત કેસોના સંબંધમાં કુલ 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ચાર સગીરોને પકડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈલાવુમથિટ્ટા પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.
14 લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
પોલીસે રવિવારે જણાવ્યું હતું કે 14 લોકોને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ કેસમાં અન્ય ઘણા લોકોને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અન્ય અધિકારીના જણાવ્યા અનુસાર તપાસ ચાલુ છે અને વધુ ધરપકડ કરવામાં આવશે.