આજે વિક્રમ સંવત 2076ના નવા વર્ષનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલા દેવાલયો પ્રાચીન વાદ્ય શરણાઈના સૂરોથી ગુંજી ઉઠ્યા હતા. હિન્દુ ધર્મના ધાર્મિક તહેવારોમાં સંગીતને ખાસ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. આ પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હિંદુ ધર્મ સૂર અને સંગીત એકમેકના પૂરક માનવામાં આવે છે. જેને લઇને હિંદુ ધાર્મિક સંસ્કૃતિ ધર્મની સાથે સંગીતના સૂરોથી પણ ગુંજી ઊઠે છે.
હિંદુ ધર્મમાં ઢોલ અને શરણાઇને પણ ખૂબ મહત્વ આપવામાં આવતું હોય છે. કોઈ પણ ધાર્મિક પ્રસંગ ઢોલ અને શરણાઇ વગર અધૂરો માનવામાં આવે છે. નવરાત્રિના સમયમાં તો ઢબુકતા ઢોલ અને શરણાઇના સૂર પર ખેલૈયાઓ માઁ જગદંબાની આરાધના કરતા હોય છે તો દરેક હિંદુ ધર્મના માંગલિક પ્રસંગોમાં પણ શરણાઈને આગવું સ્થાન મળેલું છે. સાથોસાથ હિંદુ ધર્મની વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ શરણાઈ વગર અનુષ્ઠાનને અધુરૂ માનવામાં આવે છે.
શરણાઈને ભારતનો પ્રાચીન વાદ્ય કહેવામાં આવે છે. શરણાઇના સૂરથી ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયા હતા. શરણાઈ આજે આધુનિકતાના આક્રમણ સામે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહી છે. આજે પણ એવા કેટલાક કલાકારો જોવા મળે છે, જે શરણાઈ અને તેના સુરો પર પારંગતતા મેળવીને શરણાઈના સૂરની સાથે પ્રાચીન વાદ્ય શરણાઈને બચાવવા માટે સંઘર્ષ પણ કરી રહ્યા છે.