જૂનાગઢઃ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જો કે, રાત્રિના નવ કલાકની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદને કારણે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ વરસાદ જોતા એવું લાગી રહ્યું છે કે, જૂનાગઢમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે.
- દિવસ દરમિયાન રહ્યું વાદળછાયું વાતાવરણ
- 9 કલાકે ધોધમાર વરસાદનું આગમન
- નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા
- ગુરૂપૂર્ણિમા નિમિત્તે વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ
- ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન
છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળતો ન હતો, ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે ઉકળાટે લોકોને અકળાવી મુકયા હતા, પરંતુ રવિવાર સવારથી જ શહેરના વાતાવરણમાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. સવારથી જ છૂટક છૂટક હળવાશ ભર્યા ઝાપટાં પડી રહ્યા હતા.
રાત્રીના 9 કલાકની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો, જો કે, બાદમાં વરસાદનું જોર થોડું ધીમું પડયું હતું, પરંતુ વરસાદ છેલ્લા 30 મિનીટ કરતા વધુ સમયથી અવિરતપણે ચાલુ રહ્યો હતો.