સોમનાથ : સોમનાથ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળિયા હાટીના કોર્ટે છ માસની સજા ફટકારી છે. વર્ષ 2010માં હોલીડે કેમ્પ નજીક થયેલી મારામારીના ગુનામાં છ માસની સાદી સજા ફટકારી છે. સમગ્ર મામલામાં કોર્ટે વિમલ ચુડાસમાને જામીન પણ આપી દીધા છે. તેમજ આગામી દિવસોમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સેશન કોર્ટમાં પડકારવાની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
ધારાસભ્ય ચુડાસમાને છ માસની કેદ : ધારાસભ્ય વિમલ ચુડાસમાને વર્ષ 2010ના મારામારીના એક કિસ્સામાં જુનાગઢ જિલ્લાની માળીયા હાટીના કોર્ટે છ માસની સાદી સજા ફટકારવાનો હુકમ કરતા રાજકીય ક્ષેત્ર ખડભડાટ મચી જવા પામ્યો છે. વર્ષ 2010માં વિમલ ચુડાસમા ચોરવાડ નગરપાલિકામાં નેતા વિપક્ષ તરીકે કામ કરી રહ્યા હતા, ત્યારે અહીં નજીક આવેલા હોલીડે કેમ્પમાં મિત વૈદ અને હરીશ ચુડાસમા નામના વ્યક્તિઓ સાથે કોઈ મામલાને લઈને મારામારીની ઘટના સામે આવી હતી. ત્યારબાદ મિત વૈદ અને હરીશ ચુડાસમાએ ચોરવાડ પોલીસ મથકમાં વિમલ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા તેનો આજે માળીયા હાટીના કોર્ટે અંતિમ ચુકાદો જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : Botad murder case: બોટાદ હત્યાના 6 આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
ફરિયાદ રાજકીય પ્રેરિત હોવાનો ચુડાસમાનો સ્વીકાર : માળીયા હાટીના કોર્ટે આજે જાહેર કરેલા ચુકાદાને વિમલ ચુડાસમાએ સ્વીકાર્યો છે. સજા આપ્યા બાદ માળિયા હાટીના કોર્ટે તમામ ચાર આરોપીને જામીન પણ આપી દીધા છે. સમગ્ર મામલામાં વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મીત વૈધ અને હરિશ ચુડાસમા બંને ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોના સંતાનો છે. મીત વૈધના પિતા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ વકીલાત કરી રહ્યા છે. તો અન્ય એક ફરિયાદી હરેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો નાનો ભાઈ છે. માટે સમગ્ર મામલો રાજકીય પ્રેરિત હતો, ત્યારે માળીયા હાટીના કોર્ટે અમોને રાયોટિંગના ગુનામાં છ માસની સાદી સજાનો હુકમ કર્યો છે. અન્ય કિસ્સામાં કોર્ટે અમોને નિર્દોષ છોડવાનો હુકમ પણ કર્યો છે.
આ પણ વાંચો : Rajkot Murder Case: જુગારની રમત બાબતે યુવાને હથિયારના ઘા મારી કરાય હત્યા
ચુકાદા વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં કરાશે અરજી : માળીયા હાટીના કોર્ટે વિમલ ચુડાસમા સહિત અન્ય ત્રણ વ્યક્તિને રાઇટીંગના ગુનામાં છ માસની સાદી સજાનો જે હુકમ કર્યો છે. તેને સેશન્સ કોર્ટમાં પડકારવા માટે વિમલ ચુડાસમા તૈયારી દર્શાવે છે. વધુમાં માળીયાહાટીના કોર્ટે છ માસની સાદી સજાનો હુકમ કર્યો છે. તે સજા સામે પણ સ્ટે લાવવા માટે તેઓ કાયદાકીય નિષ્ણાતોના અભિપ્રાય મુજબ સમગ્ર મામલામાં આગળ વધશે, ત્યારે આજે આવેલા ચુકાદાને પગલે જૂનાગઢ જિલ્લાનું સ્થાનિક રાજકારણ ચૂંટણી બાદ ફરી એક વખત ગરમાતું જોવા મળી રહ્યું છે.