જૂનાગઢ: આજે વૈશાખ વદ અમાસ એટલે કે શનિ મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી થઈ રહી છે. જેમ પ્રત્યેક વ્યક્તિને તેમના જન્મદિવસે ભેટ સોગાત આપવાથી તેને ખુશ કરી શકાય છે તે જ રીતે શનિ મહારાજને પણ આજના દિવસે શોડશોપચાર પૂજા મંત્ર જાપ શનિ ચાલીસાનું પઠન કરીને શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકે છે. શનિ જયંતીના દિવસે પ્રત્યેક શનિ ઉપાસકે વહેલી સવારે પૂજા અભિષેક કર્યા બાદ શનિ મહારાજનું ધ્યાન લગાવીને તેમનું સ્મરણ કરવાથી પણ પ્રત્યેક જાતક પર શનિદેવ તેમની કૃપા વરસાવતા હોય છે. જેથી આજનો દિવસ શનિ મહારાજના ભક્તો માટે ખૂબ વિશેષ માનવામાં આવે છે.
કાળી ચીજ વસ્તુઓનું દાન આજે મહત્વપૂર્ણ: શનિ જયંતીના પાવન પ્રસંગે જૂનાગઢના શાસ્ત્રી ચેતનભાઈ દ્વારા શની જયંતીને લઈને શનિ ઉપાસકોએ કેવા પ્રકારે શનિ મહારાજની પૂજા કરવી જોઈએ તેને લઈને વિગત દર્શાવી છે. આજના દિવસે કાળી ચીજ વસ્તુઓનું દાન કરવાથી પણ ખૂબ જ પુણ્યશાળી ફળ પ્રાપ્ત થતુ હોય છે. જેમાં કાળા અડદ સરસવનું તેલ સિંદૂર અને જો શક્ય હોય તો આંકડાનું કાળું પુષ્પ આજના દિવસે શનિ મહારાજ પર અર્પણ કરવામાં આવે તો શનિદેવની કૃપા વિશેષ રૂપે પૂજા કરનાર પ્રત્યેક ઉપાસકો પર જોવા મળતી હોય છે. કાળા ધતુરાનું પુષ્પ શિવજી અને કાળ ભૈરવને પણ અર્પણ કરવામાં આવે છે. કાળ ભૈરવને શિવજીના અવતાર તરીકે પણ સનાતન ધર્મમાં પૂજવામાં આવે છે ત્યાર બાદ કાળા ધતુરાનું પુષ્પ શનિ મહારાજને પણ અર્પણ થાય છે.
શનિ મહારાજના વાહન પાડાનું પણ મહત્વ: આજના દિવસે શનિ મહારાજના વાહન પાડાનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે. જે રીતે શનિ મહારાજને કાળી વસ્તુથી પુજન કરી શકાય છે તેવી જ રીતે કાળો રંગ ધરાવતો પાડાને પણ શનિ ઉપાસકો દ્વારા કાળા અડદ અને ગોળ દિવસના મધ્યાનતરે ભોજન તરીકે આપવામાં આવે તો શનિ મહારાજની કૃપા વિશેષ રીતે જોવા મળતી હોય છે. પાડાને ખોરાક આપવાથી શનિ મહારાજ પણ વિશેષ રીતે ખુશ થતા હોય છે.
રાશિના જાતકો માટે શનિ જયંતિની અસરો: શનિ જયંતિની અસરો બાર રાશિના જાતકો માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કર્ક અને વૃષિક રાશિના જાતકો માટે નાની પનોતીની શરૂઆત થાય છે. વૃષિક રાશિના જાતકોને આ શનિ જયંતિ સારું ફળ આપનારી નીવડશે. વધુમાં આજના દિવસે 8 અડદના દાણા ધતુરાનુ કાળુ પુષ્પ અને સરસવનું તેલ વૃષિક રાશિના જાતકો દ્વારા અભિષેક કરવાથી પણ વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે. વૃષિક રાશિના જાતકો માટે શનિ જયંતિ ચિંતાવાળી પનોતી લાવી રહી છે. જેની અસરો ઓછી કરવા માટે પણ શનિ મહારાજને ધર્મમાં દર્શાવ્યા મુજબ નૈવેદ્યથી અભિષેક કરવામાં આવે અને સાથે સાથે 108 માળાના મંત્ર જાપ અને શનિ ચાલીસાનું પઠન કરવામાં આવે તો ચિંતામાંથી થોડી મુક્તિ મળી શકે છે. અન્ય રાશીિના જાતકો માટે આ શનિ જયંતિ નહીં કષ્ટ અને નહીં પીડા એમ સામાન્ય ફળ આપનારી બની રહેશે.
મકર કુંભ અને મીન રાશિના જાતકોને મોટી પનોતી: આ શનિ જયંતિ મકર કુંભ અને મીન રાશિના જાતકો માટે મોટી પનોતી લઈને આવી છે. મકર રાશિના જાતકો આર્થિક ચિંતામાં મુકાય જેને કારણે તેને નુકસાન થવાની શક્યતાઓ વધુ છે. કુંભ રાશિના જાતકો માટે આ શનિ જયંતિ મોટી પનોતી લઈને આવી છે. પરંતુ આજના દિવસે પૂજા અને અભિષેકથી કુંભ રાશિના જાતકો રાહત મેળવી શકે છે. મીન રાશિના જાતકોને આજની શનિ જયંતિ નહીં નફો નહીં નુકસાન એટલે કે મધ્યમ ફળ આપનારી બની રહેશે. અચાનક આવેલી ચિંતામાંથી શનિ મહારાજ રસ્તો બતાવતા પણ મીન રાશિના જાતકોને જોવા મળશે જેને કારણે મીન રાશિના જાતકો માટે મોટી પનોતી હોવા છતાં પણ કોઈ મોટી કષ્ટ કે પીડા શનિ મહારાજ થવા દેશે નહીં.