દીવ: સંઘ પ્રદેશ દીવમાં એક સાથે 17 જેટલા કોરોના સંક્રમિત કેસો એક દિવસમાં સામે આવતા જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે, જેને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.
સંઘ પ્રદેશ દીવમાં આજે એક જ દિવસમાં 17 કોરોના પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે. એક સાથે 17 કેસ જિલ્લામાં પ્રથમ વખત નોંધાયા હતા. જેને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા દીવ વાસીઓને ખુબ જ અગત્યના અને અનિવાર્ય સંજોગોને બાદ કરતા ઘરની બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી હતી અને સાથોસાથ જે વિસ્તારમાં કેસો સામે આવ્યા છે તેવી તમામ જગ્યાઓને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે.
આજે જે કેસો સંક્રમિત આવ્યા છે તેમાં ત્રણ મેડિકલ સ્ટોરમાં કામ કરતા સ્ટાફ, બે શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ, એક વાહનના ડ્રાયવર અને ચાર સામાન્ય વ્યક્તિઓ સંક્રમિત જોવા મળ્યા હતા. જ્યારે દીવના વણાકબારા અને ઘોઘલા વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરતા અન્ય સાત લોકો પણ કોરોના સંક્રમિત બહાર આવ્યા હતા. આ 7 કેસો શાકભાજીના ફેરીયા આસપાસના ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે.