જુનાગઢ : લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજે જુનાગઢમાં જાડા ધાન્યોની અગત્યતા અને તેની અનિવાર્યતા અંગે એક વિશેષ સેમીનારનું આયોજન કર્યું હતું. જેમાં જુનાગઢ શહેર અને જિલ્લાની શાળાના 60 જેટલા બાળકોએ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ જાડા ધાન્યોની કોઈપણ વ્યક્તિના જીવનમાં શારીરિક અને માનસિક વિકાસમાં કેટલી ઉપયોગીતા અને અનિવાર્યતા પર પ્રતિભાવ સેમિનારના માધ્યમથી વ્યક્ત કર્યો હતો. સમગ્ર વિશ્વ વર્ષ 2023 ને જાડા ધાન્યના વર્ષ એટલે કે મિલેટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે જૂનાગઢની શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પણ જાડા ધાન્ય પર પોતાના પ્રતિભાવો સેમિનારમાં રજૂ કર્યા હતા.
જાડા ધાન્યનું મહત્વ : જાડા ધાન્ય પોષક તત્વોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. જુવાર, બાજરી, રાગી જેવા જાડા ધાન્યમાં મેગ્નેશિયમ, ફાઇબર, પોલિફોલિક એસિડ, લોહતત્વ, ગ્લાઇસેનિક ઈન્ડેક્સ જેવા અનેક પોષક તત્વોની સાથે ખનીજ વિટામીન સમાયેલા હોય છે. જેથી જાડા ધાન્ય કોઈ પણ વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ જ મહત્વના માનવામાં આવે છે.
આજનો સમય ફાસ્ટ ફૂડના સમય તરીકે માનવામાં આવે છે. આજે લોકો ફાસ્ટ ફૂડ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેની સામે મિલેટને ભોજનમાંથી દૂર કરી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. કોઈપણ વ્યક્તિ ફાસ્ટ ફૂડ ખાઈ શકે છે. પરંતુ તેના દૈનિક ખોરાકમાં જાડા ધાન્યને અવશ્યપણે સમાવવા જોઈએ.-- માધવી (વિદ્યાર્થીની)
પોષક તત્વોનો ભંડાર : જાડા ધાન્યમાં રહેલું લોહતત્વ કોઈ પણ વ્યક્તિના શરીરમાં લોહીની કમીને સંતુલિત રાખે છે. તો મેગ્નેશિયમ લોહીના ઊંચા દબાણને કાબુમાં રાખવા માટે મદદરૂપ થાય છે. ગ્લાયસેનિક ઇન્ડેક્સ ડાયાબિટીસ જેવા દર્દમાં ખૂબ જ રાહત આપે છે. ઉપરાંત મિલેટમાં રહેલ ફાઇબરના કારણે તે કબજિયાત કે અપચા જેવી બીમારીથી વ્યક્તિને દૂર રાખે છે. મિનિટમાં જોવા મળતું પોલીફોલિક એસિડ કેન્સર જેવી ખૂબ જ ગંભીર બીમારીમાં રક્ષણ આપે છે.
વિદ્યાર્થીઓનો પ્રતિભાવ : કાથરોટા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી યોગી ડાવરીયાએ સેમિનારને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, જાડા ધાન્ય કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનો છે. વર્તમાન સમયમાં ચિંતાજનક રીતે જાડા ધાન્ય આપણા દૈનિક ખોરાકમાંથી દૂર થઈ રહ્યું છે. તેને કારણે કોઈપણ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં શરીરને પોષક તત્વો આપવામાં નિષ્ફળ રહ્યા છે. જેને કારણે કેટલીક બીમારીઓ સામે આવી રહી છે. પરંતુ જાડા ધાન્ય દૈનિક જીવનના ખોરાકમાં અપનાવવામાં આવે તો કેન્સર, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળી શકે તેમ છે.