સોમનાથ : આવતી કાલથી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે કાર્યક્રમના ભાગરૂપે સોમનાથ ચોપાટી પર રેતી શિલ્પ દ્વારા દ્વારકાના કલાકારોએ વડાપ્રધાન મોદીનું શિલ્પ રેતીમાં કંડારીને સમગ્ર કાર્યક્રમનું આયોજન અને તેની સફળતા માટે નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો છે. દ્વારકાના આ બંને રેત શિલ્પ કલાકારો મુકબધીર છે તેમ છતાં તેમણે તેની કલાના માધ્યમથી શિલ્પ સ્થાપત્યમાં આબેહૂબ કલાકારીનો નમુનો પૂરો પાડ્યો છે. પાછલા બે દિવસથી સમગ્ર રાજ્યના 15 જેટલા કલાકારો રેત શિલ્પ બનાવવાને લઈને ખૂબ જ મહેનત કરી રહ્યા છે જેને આવતીકાલે રક્ષાપ્રધાન રાજનાથસિંહ ખુલ્લો મુકવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : Saurashtra Tamil Sangamam : સંબંધોને જીવિત કરવા સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે મદુરાઈથી પ્રથમ ટ્રેન ઉપડી
સૌરાષ્ટ્રમાં રેતી શિલ્પ કલાકારોનો દબદબો : સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં રેત શિલ્પ કલાકારોનો દબદબો આજે પણ જોવા મળે છે. જૂનાગઢ, પોરબંદર, સોમનાથ, દ્વારકા અને દીવ વિસ્તાર દરિયાઈ પટ્ટી વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યારે આ વિસ્તારમાં રેત શિલ્પ કલાકારો પોતાની કલાનો આબેહૂબ નિદર્શન કરી રહ્યા છે. સમગ્ર દેશમાં આયોજિત થતાં રેત શિલ્પ મહોત્સવમાં પણ હાજરી આપે છે. ત્યારે 1000 વર્ષ પછી સોમનાથમાં આયોજિત થઈ રહેલા તમિલ સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમમાં રેત શિલ્પ કલાકારોએ પોતાની કલાને ઉજાગર કરી છે.
આ પણ વાંચો : Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઇ મોટી જાહેરાત, પીએમ મોદીની સોમનાથ મુલાકાત રદ
પ્રથમ વખત મહિલા કલાકારોને સ્થાન : ગુજરાતમાં જે સ્થળ પર રેત શિલ્પ કાર્યક્રમનું આયોજન થાય છે તેમાં મોટે ભાગે પુરુષ શિલ્પકારો ભાગ લેતા હોય છે, પરંતુ સોમનાથને આંગણે મહાદેવની હાજરીમાં અને એક હજાર વર્ષ પછી જ્યારે બે સંસ્કૃતિના પુન:મિલનની જે ઘડી જોવા મળે છે. તેમાં રેત શિલ્પ કલાકાર તરીકે પ્રથમ વખત મહિલા કલાકારોને પણ સામેલ કરાયા છે જેને લઈને પણ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ખૂબ જ બેનમૂન બનવા જઈ રહ્યો છે. અહીં સોમનાથ ચોપાટી પર 15 જેટલા રેત શિલ્પ દ્વારા કલાકારોએ પોતાની કલાને ઉજાગર કરી છે જે જોતા સૌ કોઈ અચંભીત પણ બની શકે છે.