જૂનાગઢ: જિલ્લાના કેશોદ શહેરમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી થયેલો સંપર્ક જાતીય દુષ્કર્મમાં પરિણમ્યો છે. કેશોદ શહેરમાં આવેલી ખાનગી શાળામાં ધોરણ 10નો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર તેની જ શાળાના બસના ડ્રાઈવરે દુષ્કર્મનો શિકાર બનાવી હતી. આજે પીડિત સગીરાની માતા દ્વારા કેશોદ પોલીસ મથકમાં શાળાની બસના ડ્રાઇવર સામે જાતીય દુષ્કર્મ અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેશોદ પોલીસે દુષ્કર્મમાં પીડિત સગીરાની માતાની ફરિયાદને આધારે ફરાર ડ્રાઇવરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સોશિયલ મીડિયા વળગણનું ઘાતક પરિણામ: ખાનગી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની અને તે જ શાળામાં સ્કૂલ બસના ડ્રાઈવર સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથકી સંપર્કમાં આવ્યા હતા. પાછલા ચાર મહિના સુધી સ્કૂલ બસનો ડ્રાઈવર અને સગીરા એકબીજા સાથે સંપર્કમાં હતા. આ સમય દરમિયાન અનેક વખત તેમણે ધોરણ 10ની વિદ્યાર્થીની ઉપર જાતીય દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર મામલાનો વિદ્યાર્થીનીની માતાએ ઘટસ્ફોટ કરતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલામાં કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા આરોપી સ્કૂલ બસનો ડ્રાઈવર કમલેશ ગોરડ ફરાર થયો છે. જેને પકડી પાડવા માટે કેશોદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
" દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાની માતા દ્વારા સ્કૂલ બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવતા પોલીસે આરોપી સ્કૂલ બસના ડ્રાઈવર સામે જાતીય દુષ્કર્મ અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ દાખલ કરીને આરોપી ડ્રાઈવરને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરે છે." - બી સી ઠક્કર, પોલીસ અધિક્ષક