જૂનાગઢ : ભવનાથના ગોરખનાથ આશ્રમમાં આજે રાજ્યવ્યાપી સંત સંમેલન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા પીઠના શંકરાચાર્યને સનાતન ધર્મ સંરક્ષણ સમિતિનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ કમિટીઓમાં રાજ્યના 41 જેટલા સંતોને સામેલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કમિટી સનાતન ધર્મ પર કરવામાં આવતા દુષ્પ્રેરણા અને પ્રચાર સામે મોરચો ખોલશે.
સંત સંમેલન ગોષ્ઠી : જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા ગુરુ ગોરખનાથ આશ્રમમાં આજે રાજ્યભરના સાધુ-સંતોનું સંત સંમેલન અને સનાતન ધર્મ ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ સહિત સનાતન ધર્મના અલગ-અલગ મંદિર-મઠો અને આશ્રમના ગાદીપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના કાર્યકરો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સંત સંમેલનમાં ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. જેનું અધ્યક્ષપદ દ્વારકા પીઠના શંકરાચાર્યને સોંપવામાં આવ્યું છે. જાહેર કરાયેલી કમિટીમાં રાજ્યભરમાંથી 41 જેટલા સંત-મહંતોને સામેલ કરવામાં આવ્યા છે.
શસ્ત્ર અને શાસ્ત્રોને એક સાથે રાખવાની વર્તમાન સમયની તાતી જરૂર છે. સનાતન ધર્મની રક્ષા અને તેના બચાવ માટે શાસ્ત્રોની સાથે હવે શસ્ત્રો અનિવાર્ય બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સનાતન ધર્મ પર થઈ રહેલા કોઈપણ પ્રકારના પ્રહારનો ખૂબ જ મક્કમતાપૂર્વક વળતો પ્રતિકાર પણ આપવામાં આવશે. -- આત્માનંદ સરસ્વતી
સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ : આજની બેઠકમાં સામેલ થવા માટે આવેલા ચૈતન્ય શંભુ મહારાજે ETV BHARAT સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે દક્ષિણ ભારતના રાજકીય નેતાઓને ખાસ કરીને દયાનિધિ સ્ટાલીન જે રીતે સનાતન ધર્મને લઈને પાછલા કેટલાક દિવસોથી આપત્તિજનક નિવેદન આપી રહ્યા છે. તે સનાતન ધર્મ પર પ્રહાર માનવામાં આવે છે. દક્ષિણ ભારતના રાજકીય આગેવાનો આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને ધર્મને લઈને ચોક્કસ જ્ઞાતિ અને ધર્મનું તૃષ્ટિકરણ કરી રહ્યા છે. તેનાથી સનાતન ધર્મને કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી અને આવનારા દિવસોમાં પડવાનો પણ નથી. સનાતન ધર્મની સામે બોલતા પ્રત્યેક વ્યક્તિ સામે સંયુક્ત લડાઈ લડી શકાય તે માટે આજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.