- પ્રકાશના પર્વ દીપાવલી રંગોળી સાથે થઈ શુભ શરૂઆત
- સ્થાનિક કલાકારો દ્વારા કરવામાં આવી અદ્ભુત રંગોળીઓ
- ચિરોડી કલર નો ઉપયોગ કરીને મંત્રમુગ્ધ કરતી રંગોળીનું સર્જન
- સ્થાનિક કલાકારોએ આપ્યો અદભુત કલા વારસાનનો પરચો
જૂનાગઢઃ દિવાળીના તહેવારને લઈ શહેરના કલાકારો દ્વારા અદ્ભુત રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે. જૂનાગઢ ગ્રીન સન આર્ટ એકેડેમી દ્વારા સ્થાનિક કલાકારો તેમની રંગોળીની કલાને વધુ ઉજાગર કરીને પ્રાચીન તેમજ અર્વાચીન વિષયોને રંગોળીના માધ્યમથી આપણા પ્રાચીન કલા વારસાને લોકો સમક્ષ રાખીને વધુ આગળ ધપાવી રહ્યા છે.
દિવાળીનો તહેવાર હવે શરૂ થઈ ગયો છે ત્યારે પાંચ દિવસ ચાલનારા આ તહેવારોમાં અનેકવિધ પ્રસંગોથી પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં દરેક ઘર અને વ્યાપારિક સંસ્થાનોની સાથે પ્રત્યેક હિન્દુ મંદિરમાં અવનવા પ્રકારે રંગોળી કરીને દિવાળીનો તહેવાર મનાવવામાં આવતો હોય છે. તેમ હિન્દુ પ્રાચીન માન્યતા મુજબ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે લંકા પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા, ત્યારે તેમને આવકારવા માટે અયોધ્યાના માર્ગો પણ તેમનું સ્વાગત કરતા હોય તે પ્રકારે રંગોળીથી સજાવવામાં આવ્યા હતા. તે પરંપરા આજે પણ જળવાઈ રહે તે માટે દિવાળીના તહેવારોમાં રંગોળી કરવામાં આવી રહી છે.
કલાકારોએ રંગોળીનું કર્યુ અદભૂત સર્જન
જૂનાગઢની ગ્રીન સન આર્ટ એકેડેમી દ્વારા સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે તેમજ પ્રાચીન કલા આધુનિક ક્લેવર સાથે ફરીથી લોકોના આંગણે જોવા મળે તેને લઈને કલાકારો દ્વારા આવકારદાયક પ્રયાસ કરીને ભીંત ચિત્રોમાં કલાના કસબને પાથરીને રંગોળીઓ તૈયાર કરી છે. તે જોઇને એવું ચોક્કસ લાગે કે, આ રંગોળીઓ હમણાં બોલી ઊઠશે છેલ્લા ત્રણ દિવસથી કલાકારો રંગોળીને અવનવા રંગ અને રૂપ આપવા માટે મહેનત કરી રહ્યા છે. જેમાં સફળતા પણ મળી છે અને મંત્ર મુગ્ધ કરી આપે તેવી રંગોળીઓ આજે જોવા મળી રહી છે. રંગોળી આપણો પ્રાચીન કલા વારસો છે. જે દિવાળીના તહેવારોમાં દર વર્ષે જોવા મળે છે. ત્યારે આ વર્ષે સ્થાનિક કલાકારો દ્વારા રંગોળીની અવનવી ભાતોને કલા દ્વારા જીવંત રૂપ આપવાનો પ્રયાસ સ્થાનિક કલાકારોએ કર્યો છે. જે ખરેખર વખાણવા લાયક છે.
ચિરોડીના કલર દ્વારા જોવા મળ્યો અદભુત કલાનો સમન્વય
શહેરના 20 જેટલા સ્થાનિક કલાકારો માત્ર ચિરોડીના કલરનો ઉપયોગ કરીને છેલ્લા ત્રણ દિવસથી ભીંતચિત્રોને હકીકતનું રૂપ આપવા માટે મથામણ કરી રહ્યા હતા. ત્યારે આજે ત્રણ દિવસ બાદ જે પરિણામ જોવા મળી રહ્યું છે. તે જોઇને એવું ચોક્કસ કહી શકાય કે, ત્રણ દિવસની મહેનત અંતે ફળીભૂત થયેલી જોવા મળી રહી છે. આ રંગોળીઓને જોતા એવું ચોક્કસ લાગે કે, આ કલાકારો વર્ષોના રિયાઝ બાદ આ પ્રકારનાં ચિત્રો તૈયાર કર્યા હશે. પરંતુ આ રંગોળીઓ માત્ર બે જ વર્ષની કલા સાધનાને અંતે કલાકારો દ્વારા હસ્તગત કરવામાં આવી છે. જે આપણી નજર સમક્ષ જોવા મળી રહી છે.