આવતીકાલે દેશની 543 લોકસભા બેઠકની સાથે જૂનાગઢ લોકસભા બેઠકની પણ મતગણતરી થવા જઇ રહી છે. જેને લઇ જૂનાગઢ શહેરના મીઠાઈના વેપારીઓ પણ તૈયારીમાં લાગી ગયા છે. આ પરિણામ બાદ મીઠાઈની માંગને પહોંચી વળવા તૈયારીઓ આરંભી દીધી છે. જૂનાગઢ લોકસભા બેઠક પર મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને મતગણતરી પૂર્ણ થઈ કોઈ એક ઉમેદવાર જુનાગઢ બેઠક પરથી દિલ્હીની દોડમાં સામેલ થવા જશે ત્યારે તેના સમર્થકો દ્વારા જીતની ઉજવણીના ભાગરૂપે કાર્યકરો અને તેના ટેકેદારોમાં મીઠાઈની વહેંચણી કરે તે સ્વાભાવિક છે.
જેને લઇને જૂનાગઢના મીઠાઈના વેપારીઓ પણ આગવી તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે. આવતીકાલે 12:00 વાગ્યા બાદ પરિણામ જાહેર થશે ત્યારબાદ ઉમેદવારના ટેકેદારો અને તેના સંબંધીઓ મીઠાઈની વહેંચણી કરીને આ વિજય ઉત્સવ મનાવશે. ખાસ કરીને દૂધની મીઠાઈઓ આ દિવસે વિશેષ વહેંચવામાં આવતી હોય છે, જેને ધ્યાને લઇને વેપારીઓ દ્વારા દૂધથી બનતી મિઠાઇઓનાં આંધણ મુકી દેવામાં આવ્યા છે.
આવતી કાલે કોઈ પણ સમયે જ્યારે પરિણામ જાહેર થાય ત્યારબાદ મીઠાઈની કોઈપણ કમી ન રહે અથવા તો મીઠાઈ ખરીદનાર કોઈ પણ વ્યક્તિ પરત ન ફરે તેને ધ્યાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે આખી રાત સુધી ચાલશે અને આવતીકાલે બપોરે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે આ મીઠાઈ માટે લોકો પડાપડી કરશે તેને પહોંચી વળવા માટે આ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.