જૂનાગઢ : આજે ચૈત્ર વદ અમાસ એટલે કે પિતૃ તર્પણ માટેનો સર્વ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે, ત્યારે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા ત્રિવેણી સંગમ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ તેમના પિતૃઓનું તર્પણ કર્યું હતું. પિતૃઓના મોક્ષાર્થે વિધિ વિધાન સાથે પૂજન કરીને તેમના આત્માને સ્વર્ગલોકમાં જગ્યા મળે તે માટેની પૂજન વિધિમાં જોડાયા હતા.
આ પણ વાંચો : Prabhas Tirth Kshetra: પ્રભાસ તીર્થના સુવર્ણ કાળ સમા સૂર્ય મંદિરોને પુનઃ સ્થાપન કરવા વડાપ્રધાનના આદેશથી કરાઇ શરૂઆત
પિતૃ તર્પણ વિધિનો શ્રેષ્ઠ દિવસ : ચૈત્રી વદ અમાસ એટલે કે આજે પિતૃ તર્પણ વિધિને સનાતન ધર્મ સંસ્કૃતિમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, ત્યારે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં ખૂબ જ મહત્વના મનાતા ત્રિવેણી સંગમ કે જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સુમેળ સર્જાયો છે. આવા પવિત્ર સંગમ સ્થાને ચૈત્ર વદ અમાસના દિવસે ભાવિકોએ તેમના પિતૃઓનું તર્પણ કરીને તેમના આત્માને મોક્ષ માર્ગ મળે તે માટેની વિધિ કરતા જોવા મળતા હતા. પ્રભાસ તીર્થ ક્ષેત્રના ત્રિવેણી સંગમને પિતૃ કાર્ય માટે સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી અહીં કરાયેલું પિતૃ તર્પણ કાર્ય પિતૃના મોક્ષાર્થ માટે પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : પિતૃ પક્ષની શરૂઆત, જાણો શ્રાદ્ધનું શું છે મહત્વ
ત્રિવેણી સંગમ ત્રણ મહત્વના સ્થાન : સનાતન ધર્મ સંસ્કૃતિના બૌદ્ધ ગયા સિદ્ધપુર પાટણ અને સોમનાથના ત્રિવેણી સંગમ સ્થાનને પિતૃકાર્ય માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. બોધ ગયા ખાતે પિતાનું શ્રાદ્ધ કરવામાં આવે છે. માતાના શ્રાદ્ધ માટે સિદ્ધપુર પાટણ નજીક સરસ્વતી નદીના કિનારાને સર્વ શ્રેષ્ઠ મનાયું છે. તો પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમનાથ નજીક આવેલા ત્રિવેણી સંગમને સર્વ પિતૃના શ્રાદ્ધ કાર્ય કરવા માટે અતિ ઉત્તમ માનવામાં આવ્યો છે. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ 96 પ્રકારના શ્રાદ્ધ વિધિ એકમાત્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં થાય છે. અહીં ઋષિમુની અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ તેમના પરિવારના સભ્યોનો પિતૃકાર્ય કર્યું હોવાને કારણે પ્રભાસ તીર્થ ક્ષેત્રના સંગમને પિતૃકાર્ય માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.