- બીલખામાં વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
- વેપારીએ હુમલો થયાની પોલીસ ફરિયાદ નોંધાવી
- જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો
જૂનાગઢ : જિલ્લાના બીલખા રેલ્વે ફાટક નજીક ખોળનો વેપાર કરતા લકી રાઠોડ નામના વેપારી પર ગત મોડી સાંજના સમયે ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાંથી બચીને લકી રાઠોડ દુકાનમાંથી બહાર નીકળી જાહેર માર્ગ પર પોતાને સુરક્ષિત કરવા નાસી છુટ્યો હતો. ત્યારે તેના પર આરોપીઓએ કાર ચડાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ ફરિયાદ બીલખા પોલીસ મથકમાં ગઈકાલે મોડી રાત્રિના સમયે વેપારી લકી રાઠોડે દાખલ કરતા સમગ્ર ઘટનામાં બીલખા પોલીસ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ડીસામાં અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો
પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડવા માટે નાકાબંધી કરી
લકી રાઠોડ નામના વેપારી પર યુવરાજ અને શિવરાજ જેબલિયા દ્વારા હુમલો કરીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યાની અફવા વાયુવેગે બિલખામાં ફેલાતા પોલીસ પણ સતર્ક બની હતી. જિલ્લા પોલીસનો કાફલો વિભાગીય પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે ધસી જઈને સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, કાળા કલરની કારમાં આવેલા ત્રણેય હુમલાખોરો તેના પર હુમલો કરીને ફરાર થઈ જતા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: "તારે હપ્તો આપવો જ પડશે" કહી ત્રણ શખ્સે વેપારી પિતા-પુત્ર પર કર્યો જીવલેણ હુમલો
આરોપી સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
વેપારી પર હુમલા પાછળ તેના પિતાની વારસાગત કેટલીક જમીનને લઇને હુમલો થયાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. ફરિયાદી વેપારીના પિતાને કેટલીક જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં ફરિયાદીના કહેવા મુજબ, સમાધાન નહીં થતાં આરોપીઓ અને હુમલાખોરોએ તેની જમીન પચાવી પાડવાના ઈરાદે તેના પર હુમલો કર્યાની કેફિયત પણ બીલખા પોલીસમાં આપતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી એક પણ આરોપી પોલીસ પકડમાં જોવા મળતો નથી. જેને લઇને પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને આરોપી સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.