જુનાગઢ : વિશ્વના તમામ દેશો 21મી સદીને જ્ઞાન અને શિક્ષણની સદી તરીકે ઉલ્લેખ કરી રહ્યા છે. ત્યારે 21મી સદીનું શિક્ષણ પ્રાથમિક શાળાએથી શરૂ થાય તે માટે વર્ષ 2022માં શિક્ષક દિવસે પ્રધાનમંત્રીએ પીએમ શ્રી શાળાની શરૂઆત કરાવી હતી. સમગ્ર દેશમાં અત્યારે 14,500 જેટલી શાળાની પસંદગી પીએમ શ્રી શાળામાં થાય છે, ત્યારે જુનાગઢ જિલ્લાની 10 શાળાઓ પણ પીએમ શ્રી શાળામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પસંદગી પામેલી તમામ શાળાઓમાં આધુનિક અને ડિજિટલ શિક્ષણની સાથે પર્યાવરણ જળસંચય અને કચરાના વ્યવસ્થાપનની સાથે વ્યવસાયિક શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
જુનાગઢમાં પીએમ શ્રી શાળા : પીએમ શ્રી શાળા જૂનાગઢની કન્યા શાળા નંબર 4 પીએમ શ્રી કન્યાશાળા તરીકે પસંદગી પામી છે પાંચ સપ્ટેમ્બર 2022માં પ્રધાનમંત્રી દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે પીએમ શ્રી શાળાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સમગ્ર દેશમાં 14,500 જેટલી શાળાઓ પીએમ શ્રી શાળા તરીકે જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જુનાગઢ જિલ્લાની 10 શાળાઓનો પણ સમાવેશ થાય છે.
પીએમ શ્રી શાળાની વિશેષતા : આ શાળામાં આધુનિક શિક્ષણની સાથે તમામ પ્રકારની શારીરિક માનસિક અને શૈક્ષણિક શ્રમતાઓ વિદ્યાર્થીઓની વધે તે માટેનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ પ્રકારની શાળાઓની શરૂઆત થઈ છે જે 21મી સદીના શિક્ષણના પથદર્શક રૂપે પણ કેન્દ્ર સરકારે આ યોજનાને અમલમાં મૂકી છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની સાથે કેન્દ્રશાસિત પ્રદેશો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સાથે જવાહર નવોદય વિદ્યાલય અને આદર્શ નિવાસી શાળાનો પણ પીએમ શ્રી શાળામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મોડેલ શાળા તરીકે પીએમ શ્રી શાળા : પીએમ શ્રી શાળા તરીકે પસંદ પામેલી શાળાઓનું કેમ્પસ પ્લાસ્ટિક મુક્ત હોવાની સાથે કિચન ગાર્ડન કચરાનું વ્યવસ્થાપન જળસંચય અને સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. કુમાર અને કન્યાઓ માટે અલગ શૌચાલય રમતગમતનું મેદાન ગ્રીન સંકુલ પ્રત્યેક બાળકને શિક્ષણનો અધિકાર મળે તેમજ ગરીબ વર્ગના બાળકોને એડમિશન સ્માર્ટ ક્લાસરૂમની સાથે માતૃભાષાના શિક્ષણને આવી તમામ શાળાઓમાં પ્રાધાન્ય આપવામાં આવે તે માટે નવા અભિગમ સાથે પ્રાથમિક અને અન્ય શાળાઓ પીએમ શ્રી શાળાઓ તરીકે કામ કરતી થઈ છે.
21મી સદીના શિક્ષણની સુવિધા : વ્યવસાયલક્ષી શિક્ષણ બાળકોને પ્રાથમિક શાળામાંથી મળે તે માટે પણ ખાસ પીએમ શ્રી શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય શાળાનું સંકુલ તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ સાથે અસ્તિત્વમાં આવે તેમજ તમામ શાળાઓનો નિભાવ ખર્ચ રાજ્ય અને કેન્દ્રની સરકાર ઉઠાવે જેના કારણે આગામી દિવસોમાં પીએમ શ્રી શાળાનો કન્સેપ્ટ વધુ આગળ વધતો જોવા મળશે. જેને કારણે 21મી સદીના શિક્ષણને પ્રાથમિક શાળાએથી મજબૂત બનાવવામાં ખૂબ મોટો સહયોગ પણ પ્રાપ્ત થશે.