- સોમનાથ-જબલપુર ટ્રેનનું પાવર એન્જીન વેરાવળ નજીક થયું બંધ
- માલગાડીનું પાવર એન્જીન લગાવીને ટ્રેનને કરાઇ રવાના
- નવું એન્જીન લગાડવામાં ચારથી પાંચ કલાકનો સમય બગડવાની હતી શક્યતા
જૂનાગઢ: સોમનાથ જબલપુર માર્ગ પર ચાલતી જબલપુર એક્સપ્રેસ આજે શનિવારે સવારે સોમનાથ સ્ટેશન પરથી જબલપુર જવા રવાના થઈ હતી. જેનો પાવર વેરાવળ સ્ટેશનની બિલકુલ બહાર ટેકનિકલ કારણોસર બંધ થઈ જતા એન્જિનનાં ડ્રાઈવરે વેરાવળ રેલવે સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ નજીકનાં સ્થળે પડેલું માલગાડીનું પાવર એન્જિન જબલપુર ટ્રેનમાં લગાવીને તેને રવાના કરાઇ હતી. આ સમય દરમિયાન પ્રવાસીઓને એક કલાક જેટલો સમય વેરાવળ સ્ટેશનની બહાર પસાર કરવાની ફરજ પડી હતી.
વેરાવળ રેલવે સ્ટેશનની બિલકુલ બહાર બંધ પડી ટ્રેન
સોમનાથ જબલપુર ટ્રેનનુ એન્જિન વેરાવળ રેલવે સ્ટેશન નજીક ટેકનીકલ ખરાબી આવવાને કારણે ટ્રેન એક કલાક સુધી વેરાવળ રેલવે સ્ટેશનની બિલકુલ બહાર ઊભેલી જોવા મળી હતી. એન્જિન બંધ થવાને કારણે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ એન્જિન બંધ હોવાને કારણે ટ્રેન રોકવામાં આવી છે તેવી જાણકારી તેમને મળતા પ્રવાસીઓમાં પણ હાશકારો જોવા મળ્યો હતો. ત્યારબાદ રેલવેના અધિકારીઓએ એન્જિનને બદલવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો. અંતે ટ્રેનને રવાના કરાઈ હતી.
માલગાડીનું એન્જિન લગાવી રવાના કરાઈ ટ્રેન
પાવર એન્જિન ફેઇલ થઇ જવાને કારણે રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ચિંતા જોવા મળતી હતી, પરંતુ સદ્ભાગ્યે વેરાવળ સ્ટેશનની બાજુમાં જ આવેલાં આદરી સ્ટેશન મુકામે માલગાડી પરિવહન માટેનાં એન્જિનને વેરાવળ મંગાવીને ફેઈલ થઈ ગયેલા પાવર એન્જિનમાં લગાવીને સોમનાથ-જબલપુર ટ્રેનને રવાના કરી હતી. જો આદરી સ્ટેશન નજીક માલગાડીનું એન્જિન રેલવેને ન મળ્યું હોત તો આ ટ્રેનને નવું એન્જિન લગાડતાં 4થી 5 કલાકનો સમય બગડી શકતો હતો. જેની સૌથી મોટી કિંમત ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને ભોગવવી પડી હોત, પરંતુ સદ્ભાગ્યે વેરાવળ સ્ટેશનની બિલકુલ નજીક આદ્રી રેલવે સ્ટેશન પર માલગાડીનું પાવર એન્જિન મળી જતાં 50 મિનિટમાં એક કલાક સુધી મોડી થયેલી સોમનાથ-જબલપુર ટ્રેનને રવાના કરાઇ હતી.