જૂનાગઢઃ આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય (Gujarat Assembly Election 2022) ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા ગત બે દિવસો દરમિયાન ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. આ દરમિયાન જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની 14 વિધાનસભા બેઠકો પર 300 કરતાં વધુ ઉમેદવારો (BJP Candidates Junagadh) એ ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી છે. આટલી મોટી સંખ્યામાં ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓને રાજનીતિ (Saurashtra politics) માટે ખૂબ નુકસાનકારક માનવામાં આવે છે એવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે.
300થી વધારે દાવેદારોઃ રાજકીય વિશ્લેષક ધીરુ પુરોહિત ઉમેદવારોની લાંબી લચક લાઈનો ને રાજકારણ માટે ખૂબ જ ખરાબ માની રહ્યા છે. વર્તમાન સમયમાં રાજકારણમાં વધી રહેલા મેન અને મસલ્સ પાવરની વચ્ચે ઉમેદવારો ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. તારીખ 27 અને 28 એમ બે દિવસો દરમિયાન પ્રદેશ ભાજપ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી કમીટી દ્વારા આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ લડવા માંગતા ઉમેદવારોને સાંભળવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
14 બેઠકો પર નજરઃ બે દિવસ ચાલેલી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં મળીને કુલ 14 વિધાનસભા બેઠકો પર 300 કરતાં વધુ કાર્યકરો વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો દ્વારા ચૂંટણી લડવાને લઈને પોતાની દાવેદારી રજૂ કરી હતી. પાછલા એક દશકાનો ઇતિહાસ તપાસીએ તો આટલી મોટી સંખ્યામાં ભાજપ માંથી ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટેલો જોવા મળતો ન હતો. પરંતુ આ વર્ષે મોટા ભાગની તમામ સીટો પર 10 કરતા વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની પોતાની દાવેદારી પક્ષની કમિટી તરફ સમક્ષ નોંધાવી છે.
રાજકીય વ્યવસ્થાને અસરઃ આટલી મોટી સંખ્યામાં ચૂંટણી લડવા માંગતા દાવેદારોની સંખ્યા સ્વસ્થ અને મજબૂત રાજકીય વ્યવસ્થા માટે ખૂબ જ નુકસાનકારક હોવાનું રાજકીય વિશ્લેષક ધીરુ પુરોહિત જણાવી રહ્યા છે રાજકારણમાં પ્રતિસ્પર્ધા હોવી જોઈએ પરંતુ કોઈ એક પક્ષમાંથી એક વિધાનસભા બેઠક પર 10 કરતા વધુ દાવેદારો ચૂંટણી લડવા માટે દાવેદારી કરે તે રાજકારણ માટે ખૂબ જ ખરાબ હોવાનું માનવામાં આવી રહ્યું છે
પાછલા કેટલાક સમયમાં આપણા રાજકારણની અંદર મેન અને મસલ્સ પાવરનો ખૂબ દબદબો જોવા મળે છે જેને કારણે ચૂંટણી લડવા માગતા મુરતિયાઓની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળે છે. આ પ્રકારની ઘેલછા રાજકારણને ખૂબ નુકસાન પહોંચાડી રહી છે. પાછલા કેટલાક સમયથી રાજકારણમાં રૂપિયાને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે જેને કારણે નેતાઓ સેવા માટે નહીં પરંતુ મેવા માટે આવતા હોય છે.
જેને કારણે ચૂંટણીમાં નિષ્ઠાવાન આગેવાનો અને રાજનેતાઓની સતત ઘટ જોવા મળી રહી છે. જેને કારણે ચૂંટણી લડવા માંગતા મૂરતીયાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લાંબા ગાળાના રાજકારણ માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તો બીજી તરફ ધર્મ જ્ઞાતિ આધારિત ઉમેદવારોની પસંદગી થઈ રહી છે. જેને કારણે પણ દાવેદારો ની સંખ્યામાં પાછલા એક દશકમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે.--ધીરૂભાઈ પુરોહિત, રાજકીય વિશ્લેષક