જૂનાગઢ: આગામી 25મી તારીખે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે કોરોના સંક્રમણ કાળમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પરીક્ષાઓ ઓનલાઇન લેવી તેમજ સંક્રમિત વિદ્યાર્થીઓને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આજે એન.એસ.યુ.આઈ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને પરીક્ષાઓ ઓનલાઇન લઈને વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રમોશન આપવાની માંગ કરી હતી.
આગામી 25મી તારીખથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે પરીક્ષાઓને લઈને હવે એન.એસ.યુ.આઈ દ્વારા કુલપતિને રજૂઆત કરીને તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવાની માંગ કરી છે. તેમજ શક્ય હોય ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ માસ પ્રમોશન આપવાની પણ માંગ કરી છે. કોરોના સંક્રમિત કાળમાં કોઈપણ વિદ્યાર્થી સંક્રમિત બને તો આવા તમામ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માફક આર્થિક સહાય વળતર આપવાની પણ માંગ કરી છે અને જે પરીક્ષાઓ ફિઝિકલ લેવાનું આયોજન કરાઇ રહ્યું છે. તેની જગ્યા પર ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વધુમાં એનએસયુઆઇએ એવી રજૂઆત કરી હતી કે, મોટાભાગના વિદ્યાર્થીઓ જુનાગઢ શહેરની બહારના તેમજ અન્ય જિલ્લાના હોવાને કારણે તેઓને હોસ્ટેલમાં રહેવાની સુવિધામાં પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. સરકાર દ્વારા એક પણ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની સદંતર મનાઇ કરવામાં આવી છે, તો કેટલાક વિદ્યાર્થીઓ જૂનાગઢ શહેરમાં ખાનગી સંસ્થાઓમાં રહેતા હોય છે, ત્યારે પરીક્ષા આપવા માટે આવતાં તમામ વિદ્યાર્થીઓને રહેઠાણની સમસ્યા ઉભી થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં યુનિવર્સિટીના સત્તાધીશો શું આયોજન કરવા જઈ રહ્યા છે? એના પર સવાલો ઉભા કર્યાં હતાં.