જૂનાગઢ : વાઈબ્રન્ટ સમિટ લઈને જૂનાગઢના અતિ પ્રાચીન અને ઐતિહાસિક ધરોહર સમાન ઉપરકોટના કિલ્લામાં પ્રથમવાર 150 જેટલા પ્રવાસીઓને પ્રવેશ આપી નાઈટ વોકનું આયોજન કરાયું હતું. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનાર પ્રથમ 150 પ્રવાસીઓને રાત્રીના પ્રકાશમાં ઐતિહાસિક સ્થાપત્યને જોવાની અનેરી તક પ્રાપ્ત થઈ હતી.
ઉપરકોટ કિલ્લામાં નાઈટ વોક : ગુજરાતમાં 10મી વાઈબ્રન્ટ સમિટનું સમાપન થયું છે, ત્યારે વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ઐતિહાસિક અને સ્થાપત્યના માધ્યમથી ભારતીય ઈતિહાસને વિશ્વ સમક્ષ પહોંચાડી શકાય તે માટે ઉપરકોટમાં વિશેષ નાઈટ વોકનું આયોજન કરાયું હતું. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનાર પ્રથમ 150 વ્યક્તિઓને ઉપરકોટના કિલ્લામાં રાત્રીના સમયે પ્રથમવાર નાઈટ વોક માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવાસીઓને જૂનાગઢના ઈતિહાસ સાથે જોડાયેલા સ્થાપત્યોને પ્રથમવાર ચંદ્રના અજવાળામાં જોવાની એક વિશેષ તક પ્રાપ્ત થઈ હતી. જેને જુનાગઢ વાસીઓએ ખૂબ જ ઉમળકા સાથે આવકારીને ઉપરકોટની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક સ્થાપત્યોને ખૂબ જ મન ભરીને માણ્યા હતા.
પ્રથમવાર પ્રવાસીઓને રાત્રે પ્રવેશ : રીનોવેશન બાદ ઉપરકોટનો કિલ્લો તમામ પ્રવાસીઓ માટે સવારના આઠ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી ખુલ્લો રહે છે. પરંતુ G20 શિખર સંમેલનને ધ્યાને રાખીને તેમજ પુરાતત્વ અને પર્યટન વિભાગની પૂર્વ મંજૂરી બાદ પ્રથમવાર રાત્રીના સમયે 150 પ્રવાસીઓને ઉપરકોટના કિલ્લાનો નજારો જોવા માટે આમંત્રિત કર્યા હતા. દિવસ દરમિયાન ઉપરકોટના ઐતિહાસિક સ્મારકો સૌ કોઈને આકર્ષિત કરે છે, પરંતુ રાત્રીના સમયે અને ખાસ કરીને ચંદ્રના અજવાળે જૂનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલા આ સ્થાપત્યોને દીપી ઉઠેલા જોઈને અહીં આવેલા પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા.
પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા : ઉપરકોટના કિલ્લામાં ચંદ્રના અજવાળે નાઈટ વોક માટે આવેલા જૂનાગઢના રહેવાલી ડો. ખંજન ગદાએ પ્રથમવાર આવો અનુભવ કર્યો હતો. પોતાનો અનુભવ જણાવતા તેઓએ કહ્યું કે, દિવસ દરમિયાન ઉપરકોટના કિલ્લાને જોવો લ્હાવો છે. પરંતુ રાત્રિના સમયે જિલ્લાના સ્થાપત્યને જોવા એ અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે. ઉપરકોટના રીનોવેશન બાદ પ્રથમ વખત કિલ્લાની મુલાકાત લીધી અને આજે પણ અહીંના સ્થાપત્યો ખરા અર્થમાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરે છે તેવા અહેસાસ સાથે નાઈટ વોક પૂર્ણ કરી હતી.