જૂનાગઢ: જિલ્લા સહકારી બેંક નીચે કામ કરતી વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીની સાથે સહકારી બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજરે સાથે મળીને ખેડૂતોના ખોટા દસ્તાવેજો અને આધાર પુરાવા ઊભા કર્યા હતા. ધિરાણની સાથે ખેડૂત સભાસદોના નામે અંદાજિત 6 કરોડ 56 લાખ 88,407 રૂપિયાની ઉચાપત કરી હોવાનો મામલો સામે આવતા સહકારી બેંક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીની ધરપકડ કરી હતી.
સહકારી મંડળીના પદાધિકારીઓની મિલીભગત: વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીની સાથે જિલ્લા બેંકના તત્કાલીન મેનેજરે એક સાથે મળીને ધિરાણ તેમજ ખેડૂતોના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. જેના પરથી ખોટું ધિરાણ અને લોન દર્શાવીને સહકારી બેંકને આર્થિક નુકસાનીમાં ઉતારી હતી. મંડળીના પ્રમુખ અને મંત્રીએ 7/12 8અ ના ઉતારાઓ ખેડૂતોના નામે ખોટા રજૂ કરીને સહકારી મંડળીમાંથી નવ ખેડૂતોના વર્ષ 2022/23 ના 51 લાખ 67 હજાર જેટલું ધિરાણ દર્શાવીને સહકારી બેંકને ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
બે આરોપીની અટકાયત: ત્રણેય ભેજાબાજ ત્રિપુટીએ 28 જેટલા ખેડૂતોના નામે અંદાજિત 1 કરોડ 30 લાખ 31 હજાર ધિરાણના ખોટા દસ્તાવેજો ઉભા કરીને સહકારી મંડળીની સાથે જિલ્લા સહકારી બેંકને પણ ચુનો ચોપડવાનું કારસ્તાન કર્યું હતું. સમગ્ર મામલો બેંકના ધ્યાન પર આવતા બેંકે તમામ દસ્તાવેજો જમા કરાવવાની તાકીદ ત્રણેય પદાધિકારીઓને કરી હતી. પરંતુ આજ દિન સુધી દસ્તાવેજી પુરાવાઓ બેંકમાં જમા નહીં કરાવતા આખરે બેંકે ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેની કાર્યવાહીમાં પોલીસે આજે બે આરોપીની અટકાયત કરી છે.
વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીની સાથે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના તત્કાલીન મેનેજરે ખેડૂતો અને સભાસદોના નામે ખોટા આધાર પુરાવા અને દસ્તાવેજો ઉભા કરીને અત્યાર સુધીમાં અંદાજિત 6 કરોડ 56 લાખ કરતા વધુની ઉચાપત કરી હતી. સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ દાખલ થતા આજે ભેસાણ પોલીસે બે આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. - હિતેશ ધાંધલીયા, વિભાગીય પોલીસ અધિક્ષક