જૂનાગઢ : જિલ્લા પર મેઘરાજા કહેર વર્તાવી વરસી રહ્યા છે. અતિ ભારે અને ધોધમાર કહી શકાય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જુનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ 10 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લામાં માંગરોળ અને માળિયા પંથકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી.
વિપરીત પરિસ્થિતિ : ભારે વરસાદના પગલે અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સીલ વિસ્તારમાં વરસાદના પાણીમાં 25થી 30 લોકો ફસાયાની માહિતી મળી હતી. આ અંગે સુરક્ષા ટીમોને જાણ કરવામાં આવી હતી. પરંતુ મદદ મળવામાં સમય જાય અને કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં તે માટે પોલીસ વિભાગે ભારે સતર્કતા દાખવી હતી.
રેસ્ક્યુ ઓપરેશન : દરિયાકાંઠા વિસ્તારના સીલ પોલીસ મથકના જવાનોએ ખૂબ જ હિંમતભેર 25 થી 30 જેટલા લોકોને ધસમસતા વરસાદના પાણીમાંથી રેસ્ક્યુ કર્યા હતા. પાણીમાં ફસાયેલા લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સીલ પોલીસ મથકના PSI ચુડાસમા અને તેમની ટીમે સમયનો બગાડ કર્યા વગર બચાવ કામગીરીમાં જોડાયા હતા. ખેતર તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પૂરના પાણીની વચ્ચે ઘેરાયેલા બાળકો, વૃદ્ધ મહિલા અને ખેડૂતોની સાથે યુવાનોનું ખૂબ જ કુનેહપૂર્વક રેસ્ક્યુ કરી તેઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
બચાવ અને રાહત કાર્ય : સુરક્ષા ટીમ ઘટનાસ્થળે પહોંચે તેમાં સમય લાગે તેવી પરિસ્થિતિ હતી. ત્યારે પોલીસ જવાનોએ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં કુનેહપૂર્વક રસ્સાઓનો ઉપયોગ કરીને બાળકો સહિત વૃદ્ધ મહિલા અને યુવાનોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ કર્મચારીઓએ ખૂબ મહેનત કરી હતી.
જિલ્લામાં મેઘમહેર : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પર મેઘરાજા કહેર વર્તાવે તે પ્રકારે વરસી રહ્યા છે. અતિ ભારે અને ધોધમાર કહી શકાય તે પ્રકારે વરસાદનું આગમન થયું છે. જેને કારણે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ 10 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તાલુકામાં પાછલા 24 કલાક દરમિયાન 24 ઇંચ ની આસપાસ વરસાદ નોંધાયો છે.