- ગીર બહારના જિલ્લામાંથી નીલગાયને ગીરમાં મોકલવાનો વિરોધ
- ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ સરકારના નિર્ણયને તઘલખી નિર્ણય ગણાવ્યો
- નીલગાયથી ખેડૂતો પરેશાન હતા, ત્યારે સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે મુશ્કેલી સર્જક બનશે
જૂનાગઢઃ રાજ્ય સરકાર દ્વારા ગીર વિસ્તારની બહાર આવેલી નીલગાયોને ગીર વિસ્તારમાં છોડવાના નિર્ણયને વિસાવદરના ધારાસભ્યના હર્ષદ રીબડીયાએ અણ આવડત ભર્યો ગણાવીને વિરોધ કર્યો છે. રાજ્ય સરકારે સિંહોના ખોરાક માટે ગીર બહારના જિલ્લાઓમાંથી ગીરમાં નીલગાયને મોકલવાનો વિચાર કર્યો છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધુ ઉમેરો કરતો આ નિર્ણય સરકારે પરત લેવો જોઇએ તેવી માગ ધારાસભ્ય રીબડીયાએ કરી છે.
નીલગાયને ગીરમાં મોકલવાના રાજ્ય સરકારના નિર્ણયની હર્ષદ રીબડીયાએ અવગણના કરી
બે દિવસ અગાઉ રાજ્ય સરકારે ગીરના જંગલ બહારના જિલ્લાઓમાં જોવા મળતી નીલગાય અને રોજને ગીરના વિસ્તારમાં સ્થળાંતર કરવાનો નિર્ણય વિચારમાં મુક્યો છે. જેનો વિરોધ હવે ધીમે-ધીમે બહાર આવી રહ્યો છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ નીલગાયને ગીરના જંગલમાં મોકલવાનો સરકારનો નિર્ણય અણ આવડત ભર્યા અને તઘલઘી ગણાવીને તેની સામે આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે. હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે, સરકાર પોતાનો આ વિચાર પરત નહીં લે તો આગામી દિવસોમાં ખેડૂતોની સાથે તેવો પણ ઉગ્ર આંદોલન પર સરકાર સામે ઉતરી જશે.
ગીર વિસ્તારમાં ખેડૂતો માટે મુશ્કેલી બની રહી છે નીલગાયનું નિયંત્રણ
ગીરના વિસ્તારમાં નીલગાય જંગલ છોડીને ખેતરોમાં જોવા મળે છે. જેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નીલગાયનું નિયંત્રણ કરવું ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહ્યું હતું, ત્યારે રાજ્ય સરકારે બળતામાં ઘી હોમવા સમાન ગીર બહારના અન્ય જિલ્લાઓમાંથી નીલગાયને ગીરમાં મોકલવાનું અભિયાન શરૂ કરવાનો વિચાર કર્યો છે. જેને કારણે ખેડૂતો આગામી દિવસોમાં વધુ મુશ્કેલીમાં સપડાતા જોવા મળશે. જે નીલ ગાય ગીર વિસ્તારમાં છે તે ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડી રહી છે તેનો હજી સુધી હલી જોવા મળ્યો નથી. આવી પરિસ્થિતિમાં અન્ય જિલ્લામાંથી નીલગાયને ગીરમાં સ્થળાંતર કરવાનો નિર્ણય ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરશે.