જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે. પૂર્વ સરકારી કર્મચારી અને ઓન્લી ઇન્ડિયનના નામથી સમગ્ર જૂનાગઢ શહેરમાં પ્રચલિત ઇન્ડિયન દ્વારા શ્રાવણ માસમાં જૂનાગઢના વિવિધ શિવાલયોમાં ફરીને ભક્તો દ્વારા ભગવાન શિવ પર કરવામાં આવતા દૂધના અભિષેકમાંથી દૂધનો કેટલોક ભાગ મિલ્ક બેંકમાં જમા કરાવીને એકત્ર કરવામાં આવે છે. આ એકત્રિત દૂધ ગરીબ,બાળકો જરૂરિયાત મંદ મહિલાઓ અને બીમાર વ્યક્તિઓને સુધી પહોંચાડીને શ્રાવણ માસમાં અનોખી શિવભક્તિ કરવામાં આવી રહી છે.
થોડા વર્ષો પહેલા ગુજરાતી કલાકાર પરેશ રાવલ દ્વારા અભિનીત ચલચિત્ર ઓહ માય ગોડ રજૂ કરવામાં આવ્યું હતું. આ ચલચિત્રમાં સમાજમાં વ્યાપેલી વિવિધ ધાર્મીક અંધશ્રદ્ધા ઉપર કટાક્ષની સાથે ભારે પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. આ ચલચિત્રમાંથી કેટલાક લોકોએ સારી પ્રેરણા મેળવીને વિવિધ ધાર્મિક અંધશ્રદ્ધામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો,જે ખરેખર સરાહનીય છે.જૂનાગઢ શહેરમાં રહેતા અને શહેરમાં ઓન્લી ઇન્ડિયનના નામથી ઓળખાતા આ પૂર્વ સરકારી કર્મચારી દ્વારા શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢના વિવિધ શિવાલયોમાંથી દુધ એકત્ર કરીને એકત્ર કરવામાં આવે છે. દૂધ તેના યોગ્ય સ્થાને પહોંચાડીને શ્રાવણમાસમાં અનોખી કહી શકાય તેવી શિવભક્તિ કરી રહ્યા છે.
ઓન્લી ઇન્ડિયન વહેલી સવારે ઉઠીને નિત્ય કરેલા વિવિધ શિવાલયોમાં તેમની મિલ્ક બેંક મુકી આવે છે. આ મિલ્ક બેંકમાં ભગવાન શિવ પર દૂધનો અભિષેક કરવા આવતા શિવભક્તો તેમની ઈચ્છાથી ભગવાન શિવ પર પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરી અને બાકી રહેતું દૂધ મીલ્ક બેંકમાં જમા કરાવે છે. દરરોજ પાંચથી સાત શિવમંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી આવે છે. દિવસ દરમિયાન અંદાજે 30 થી 40 લીટર જેટલું દૂધ મિલ્ક બેંકમાં એકઠું થાય છે અને આ મિલ્ક બેંકમાં એકઠું થયેલું દૂધ જૂનાગઢમાં રહેતા ગરીબ મજૂર, કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ,અશક્તો વ્યક્તિઓ તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢમાં શ્રાવણ માસ દરમિયાન મિલ્ક બેંક ચલાવતા ઓન્લી ઇન્ડિયનને હવે ગરીબ મજૂર અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ભારે આશાની નજરે જુએ છે. ભારતમાં હજુ પણ એવા લાખો લોકો છે કે જેમના સુધી પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, ત્યારે શ્રાવણ માસમાં અમુલ્ય કહી શકાય તેવા દૂધનો વ્યય ન થાય અને આ દૂધ યોગ્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવા બદલ ઓન્લી ઇન્ડિયનને પણ જૂનાગઢના લોકો આવકારી રહ્યા છે.