જૂનાગઢ:રાજ્ય સરકારના આદેશ બાદ આજથી રાજ્યની તમામ APMCને કામકાજ માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ આજે જૂનાગઢમાં આવેલી જિલ્લાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બંધ જોવા મળી હતી. આજે જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે APMCના તમામ પદાધિકારીઓની બેઠક યોજવા જઇ રહી છે અને ત્યારબાદ કોઇ અંતિમ નિર્ણય થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે
રાજ્ય સરકારે કરેલા ખાસ આદેશો અનુસાર આજથી રાજ્યની તમામ APMC કાર્યરત થઇ જશે. પરંતુ જૂનાગઢમાં આવેલી અને જિલ્લાની સૌથી મોટી સરદાર પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી આજે બંધ જોવા મળી છે. આજે બપોર બાદ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પદાધિકારીઓની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કોઇ અંતિમ નિર્ણય થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
થોડા દિવસો અગાઉ રાજ્યની કેટલીક APMCમાં કામકાજ શરૂ થયું હતું. પરંતુ લોકડાઉનના નિયમનો ભંગ અને સામાજિક અંતર ખૂબ જ ગીચતા ભર્યું બની જવાને કારણે ફરીથી તમામ APMCના અધિકારીઓએ હોદ્દાની રૂએ નિર્ણય કરીને APMCને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યાંથી લોકડાઉન શરૂ થયું છે ,ત્યારથી જૂનાગઢમાં આવેલી APMC બંધ જોવા મળી રહી છે, ત્યારે લોકડાઉના નિયમનો ભંગ ન થાય અને ખેડૂતો તેમજ વેપારીઓ વચ્ચે કૃષિ જણસોની લે-વેચમાં સામાજિક અંતર સહિત લોકડાઉના નિયમનો કોઈપણ પ્રકારે તેનો અનાદર ન થાય તેમજ આવી વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર સાથે APMCના પદાધિકારીઓની બેઠક યોજવા જઇ રહી છે.
આ બેઠક બાદ સર્વાનુમતે જે નિર્ણય કરવામાં આવે તેને સ્વીકારવામાં આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના પદાધિકારીઓ કૃષિ જણસોનાની લે વેચ ને લઈને લોકડાઉનના નિયમ અને સામાજિક અંતરના ભંગ થશે તેની ચિંતા સતાવી રહી છે ત્યારે જિલ્લા કલેકટર સાથે આજની બેઠક બાદ શું નિર્ણય આવે છે તેને લઈને જૂનાગઢ જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આવતી કાલથી કામકાજ શરૂ કરશે કે કેમ તેને લઈને કોઈ નિર્ણય લેવાશે.