જૂનાગઢ : મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 1લી જાન્યુઆરી સુધીમાં શ્વાનોના ખસીકરણને લઈને અલગ નવી વ્યવસ્થા કામગીરી સાથે શરૂ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. મનપા દ્વારા શહેરની ડમ્પીંગ સાઈડ નજીક શ્વાનોના ખસીકરણને લઈને એક નવી વ્યવસ્થા ઊભી થાય તે માટેના કામની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. બે વખત ટેન્ડર પ્રક્રિયા થઈ હોવા છતાં પણ કોઈ એજન્સી દ્વારા શ્વાનના ખસીકરણને લઈને સહમતી ન દર્શાવતા પાછલા બે વર્ષથી આ કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં અટવાયેલી જોવા મળી છે. પરંતુ હવે જ્યારે શ્વાનોના ખસીકરણ કરવાને લઈને એજંસીઓ અને મનપા કામ કરવા માટે તૈયાર થઈ છે.
પૂર્વ મેયરની પ્રતિક્રિયા : પૂર્વ મેયર મહેન્દ્ર મશરૂએ શ્વાનોના ખસીકરણ કરવાને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો છે. અગાઉ વર્ષ 1980થી 90 ના દશકામાં નગરપાલિકામાં ઇન્જેક્શન દ્વારા શ્વાનોનો ખસીકરણ કાર્યક્રમ થયો હતો. જેમાં ખૂબ મોટી સફળતા મળી હતી પરંતુ જે તે સમયે માત્ર નર શ્વાનોનું ખાસીકરણ કરાયું હતું. જેથી બે ત્રણ વર્ષમાં જ ફરી એક વખત શહેરમાં શ્વાનોની સંખ્યા નિયંત્રિત કરવામાં નગરપાલિકાને નિષ્ફળતા મળી હતી. ત્યારે આવનારા દિવસોમાં શરૂ થઈ રહેલા ખસીકરણ કાર્યક્રમમાં નરની સાથે માદા શ્વાનોનો પણ સમાવેશ થાય તો ખૂબ જ ટૂંકા સમયમાં નોંધપાત્ર પરિણામ મળી શકે છે.
નગરવાસીઓની પ્રતિક્રિયા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાનોના ખસીકરણના કાર્યક્રમને લોકો પણ આવકારી રહ્યા છે અને શહેરીજનોની સુખ સુવિધામાં આ કાર્યક્રમથી વધારો થશે તેવું ચોક્કસ માની રહ્યા છે. પરંતુ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધામધૂમ પૂર્વક શરૂ કરવામાં આવેલું ખસીકરણ ચોક્કસ સમય બાદ જો બંધ કરી દેવામાં આવશે તો ફરી એક વખત શ્વાનોની સંખ્યા અમર્યાદિત થતી જોવા મળી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમય બગડશે અને સાથે સાથે શ્વાનોના ખસીકરણ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ ધારકોના પૈસાનું પણ પાણી થશે. જેથી આ સમગ્ર પ્રક્રિયા અંતિમ પરિણામ સુધી ન પહોંચે ત્યાં સુધી સતત ચાલુ રાખીને મનપાના મોનિટરિંગ હેઠળ આ કામ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે.