જૂનાગઢઃ ભવનાથની ગિરિ તળેટીમાં આદિ અનાદિ કાળથી મહા શિવરાત્રિના મેળાનુ આયોજન થતું આવે છે. ગિરનાર રામાયણ અને મહાભારત કાળની કેટલીક ઘટનાઓ અને શિવરાત્રિના મેળાને સાંકળીને ધાર્મિક ઇતિહાસ પણ ધરાવે છે. ઋગ્વેદમાં ગિરનારનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. અહીં ગિરનારને ઉજયેન્ત તરીકે ઉલ્લેખવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે, ગિરનાર ઋગ્વેદ કાળમાં પણ હતો અને તેનું ધાર્મિક મહત્ત્વ આજે પણ જોવા મળે છે.
એક સમયે ભગવાન ઇન્દ્ર દ્વારા નરસુર નામના રાક્ષસનો વધ કર્યા બાદ તેઓ બેચેન બની ગયા હતા અને મનની શાંતિ માટે ગિરનારમાં આવ્યા હોવાના ધાર્મિક પુરાવો આજે પણ જોવા મળે છે.
મહાભારત કાળના સુભદ્રા હરણ વખતે પણ ગિરનારની ગોદમાં શિવરાત્રીનો મેળો ઉજવવામાં આવ્યો હોવાના પુરાવાઓ મહાભારત કાળમાં જોવા મળે છે. આ વખતે પ્રથમ વખત ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં મનની શાંતિ માટે કોઈ એક સ્થળને સર્વોત્તમ માનવામાં આવ્યું છે, ત્યારે તેમાં ગિરનાર સર્વ પ્રથમ આવે છે.અહીં મનની શાંતિ માટે દેવાધિદેવ મહાદેવ અને આદિ ગુરુ શંકરાચાર્ય તેમજ ભગવાન ગુરુ દત્તાત્રેય પણ ધ્યાન લગાવવા માટે અહીં આવ્યા હોવાના ધાર્મિક પુરાવો આજે પણ મળી આવે છે.