ગીરના સિંહો હવે જોવા મળશે આધુનિક સુરક્ષા યંત્ર સાથે. વન વિભાગ દ્વારા સમગ્ર ગીરના સિંહોની આધુનિક રીતે સુરક્ષા થઇ શકે તેમજ તેની દરેક હિલચાલ પર વન વિભાગ દેખરેખ રાખી શકે તે માટે જર્મનીથી આયાત કરેલા ખાસ પ્રકારના રેડિયો કોલર સિંહોને પહેરાવવામાં આવશે. જેની મદદથી સિંહોને કરવામાં આવતી રંજાડ અને ગેરકાયદે થઇ રહેલા લાયન શૉ પર પણ અંકુશ મેળવામાં વન વિભાગને સફળતા મળશે. આ સાથે જ સિંહોને જંગલ વિસ્તાર છોડીને કોઈ ગામ કે રેવન્યુ વિસ્તારમાં પહોચી ગયો હોવાની માહિતી પણ રેડિયો કોલરની મદદથી વન વિભાગને મળી શકશે. જેને લઈને સિંહને ફરી જંગલ વિસ્તારમાં ખસેડી શકાય તેમજ લાયન શૉ કરતા ઇસમોને પકડી પાડવામાં મદદ મળી શકે તેમ છે.
પ્રારંભિક તબક્કામાં જર્મનીથી 75 જેટલા રેડિયો કોલર આયાત કરવામાં આવ્યા છે. જે પૈકીના ગીર પૂર્વના જંગલોમાં કે જ્યાં સિંહોની રંજાડ અને લાયન શૉ વધુ પ્રમાણમાં થતા હતા તેવા વિસ્તારનાં 25 કરતા વધુ સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે. બાકી રહેતા 50 જેટલા સિંહોને પણ રેડિયો કોલરથી સુરક્ષિત કરવામાં આવશે. જે ક્રમશ: આગળ વધારીને ગીરના જંગલોમાં વિહરતા મોટા ભાગના સિંહોને રેડિયો કોલરથી આવરી લેવામાં આવશે.
ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં આવતા જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લાના વન કર્મચારીઓ સિંહોની દરેક હિલચાલ પર નજર રાખે અને કોઇ પણ આકસ્મિક સ્થિતિમાં સાસણ ખાતે બનાવામાં આવેલા નિરીક્ષણ ઓફિસમાં તેની જાણ કરીને સિંહોની અવરજવર અને તેની રંજાડ પર ચોક્કસ નજર રાખશે.