જૂનાગઢ: પાછલા 15 દિવસથી ગીર પુર્વના બૃહદ ગીર વિસ્તારને આતંકથી ધમરોલી રહેલા દીપડાઓ હવે જાણે કે ગીર પૂર્વમાં પણ તેનો ઘાતક પંજો ફેલાવતા હોય તે પ્રકારે ચિંતાજનક અહેવાલો મળી રહ્યા છે. જૂનાગઢ નજીક આવેલા ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં આજે વહેલી સવારે ઘાત લગાવીને દીપડાએ એક બાદ એક ચાર વ્યક્તિઓને ઘાયલ કર્યા છે. દીપડાની ઈજામાં ઘાયલ થયેલા તમામ ખેડૂતો ભયમુક્ત જોવા મળે છે.
વન વિભાગે દીપડાને પુર્યો પાંજરે: અચાનક મેંદપરા ગામની સીમમાં દીપડાના હુમલાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગામ લોકોની ફરિયાદને આધારે વન વિભાગે દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી. દીપડો સીમ વિસ્તારમાં કોઈ કાચા પાકા મકાનમાં છુપાઈને બેસી ગયો હતો જેને સીધો પાંજરે પૂરવો ખુબ મુશ્કેલ હતો. આવી પરિસ્થિતિમાં વન વિભાગના ખાસ તાલીમ પામેલા કર્મચારી અને અધિકારીઓની હાજરીમાં દીપડાને વન્ય પ્રાણીઓને બેભાન કરવા માટે ટેકનોલોજી યુક્ત બનાવેલી બંદૂક મારફતે ઘેનનું ઇન્જેક્શન આપીને તેને બેભાન કર્યા બાદ પાંજરે પુરવામાં સફળતા મળી હતી ત્યારબાદ તેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેના કેટલાક પરીક્ષણો કરવામાં આવશે ત્યારબાદ દીપડાને ફરી પાછો જંગલમાં મુક્ત કરવો કે નહીં તેનો અંતિમ નિર્ણય કરાશે.
'વહેલી સવારના સમયે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલ જાડી વિસ્તારમાં છુપાઈને બેઠેલા દીપડા એ તેમના પર હુમલો કર્યો હતો. તેમના કાકા અને અન્ય ત્રણ લોકો પર પણ હુમલો કરીને મોઢા, પેટ અને હાથના ભાગે ઇજાઓ કરીને સીમ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં છુપાઈ ગયો હતો.' -મિતેશ ખીચડીયા, ઘાયલ થયેલા યુવાન
વિસ્તારમાં ફરી એક વખત ભયનો માહોલ: ગામના અગ્રણી નંદલાલ સાવલિયાએ વાત કરતા જણાવ્યું હતું કે દીપડાના હુમલા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. તેની ટીમ દ્વારા દીપડાને બેભાન કરીને અહીંથી લઈ જવામાં આવ્યો છે પરંતુ સતત દીપડાના હુમલાથી આ વિસ્તારમાં ફરી એક વખત ભયનો માહોલ ઉભો થયો છે.