જૂનાગઢ : કોરોના કાળમાં વડાપ્રધાન મોદીએ લોકલ ફોર વોકલ અભિયાનની શરૂઆત કરાવી હતી. જેમાં સ્વદેશમાં નિર્મિત જીવન જરૂરી અને દૈનિક કામમાં ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા માટે દેશવાસીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. પરંતુ વડાપ્રધાન મોદીના આ અભિયાનને જૂનાગઢમાં ભારે પછડાટ મળી રહ્યો હોય તેમ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ખાદી સહિતની અનેક ચીજ વસ્તુઓમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું વળતર હજુ સુધી ખાદી ભંડારોને આપવા આવ્યું નથી.
ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતિના દિવસે ખાદીની ખરીદી પાછળ 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી હતી. તે મુજબ ગત વર્ષે પોલીવસ્ત્ર ખાદી પર 3,41,567 અને સુતરાઉ ખાદી પર 2,45,211 રૂપિયાનું વળતર ગ્રાહકોને જૂનાગઢ ખાદી ભંડાર દ્વારા આપવામાં આવ્યું હતું. જે મળીને કુલ 5,86,778 રૂપિયા જેટલું થવા જાય છે. આજે એક વર્ષ વીતવા છતાં રાજ્ય સરકાર કે તેના ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા હજુ સુધી જૂનાગઢ ખાદી ભંડારને વળતરની રકમ ચૂકવવામાં આવી નથી. જેને કારણે જૂનાગઢ ખાદી ભંડારના સંચાલનમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે.
એક તરફ વડાપ્રધાન મોદી લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાની યોજનાઓ બનાવી રહ્યા છે. તેના અંતર્ગત ઉત્પાદિત થતી દરેક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા દેશવાસીઓને આગ્રહ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં ઉત્પાદિત થતી તેમજ રાજ્યની જ સરકારી કે, અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા વેંચાણ કરવામાં આવતી ચીજ વસ્તુઓને રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવાને બદલે તેમાં જાહેર કરેલું વળતર એક વર્ષ કરતાં વધુનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સ્થાનિક સંસ્થાઓને ચૂકવવા માટે આનાકાની કરી રહી છે.