જૂનાગઢ : સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી અને વર્ષ 1818 માં ગીગા બાપુએ સ્થાપેલા સતાધાર ધાર્મિક જગ્યા ગુરુ શિષ્ય પરંપરાને આજે પણ અનુસરી રહી છે. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર સતાધારની જગ્યામાં આજે પણ પશુઓને માન અને સન્માન સાથે જોવામાં આવે છે. તેનું જીવંત ઉદાહરણ સતાધારની જગ્યાના દિવંગત પાડાપીરનું સમાધિ સ્થળ આજે પણ પુરાવા પૂરો પાડે છે. ગીગા બાપુના સમયે ગૌસેવક પાસેથી આ પાડો સતાધારની જગ્યામાં આવ્યો હતો. જેનો આજે પણ ઇતિહાસ સતાધારની જગ્યામાં જોવા મળે છે.
સંવર્ધન માટે ગયેલો પાડો કતલખાના સુધી પહોંચ્યો : સાવરકુંડલા નજીક નેસડી ગામના કેટલાક ભક્તોએ સતાધારની જગ્યાના પાડાને સંવર્ધન માટે નેસડી ગામમાં લઈ જવાની વિનંતી કરતા શામજી બાપુએ આ પાડાને તેમને આપ્યો હતો. ત્યારબાદ આ પાડો લઈ જનાર વ્યક્તિઓ શરીરથી મુક્ત થયા અને કેટલાક લોકો વિખુટા પડ્યા, ત્યારે આ પાડો નેસડીથી લઈને મુંબઈના દેવનાર નજીક આવેલા કતલખાના સુધી પહોંચી ગયો હતો. કતલખાને પહોંચતા જ પાડાપીરનું ધાર્મિક સત્ય સામે આવ્યુ અને કતલખાનામાં તેના કતલ કરવાને લઈને અનેક અડચણો ઊભી થઈ હતી.
આ પણ વાંચો : Surat Ambaji Temple: નવરાત્રી બાદ મળે છે ચમત્કારી પાણી, જેનાથી ભક્તોના કષ્ટો થાય દૂર
દેવનારથી ફરી સતાધાર પરત આવ્યા પાડાપીર : દેવનારના કતલખાનાના સંચાલક હાજી મોહમ્મદે પાડાને કતલ કરવાને લઈને અનેક પ્રયાસો કર્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા કતલખાનાના સંચાલક હાજી મહંમદને પાડામાં કોઈ દૈવીય શક્તિ હોવાનો અહેસાસ થતાં તેમણે આ પાડો દેવનાર સુધી મોકલનાર વ્યક્તિઓના સંપર્ક કર્યો અને ત્યારે તેને જાણવા મળ્યું કે, આ પાડો સતાધારની જગ્યાનો છે અને નેસડી ગામથી અહીં પહોંચ્યો છે, ત્યારે પાડામાં કોઈ દૈવીય શક્તિઓનો વાસ હોવાને કારણે તેને દેવનારથી વાજતે ગાજતે ફરી સતાધાર લાવવામાં આવ્યો હતો. જ્યાં મંદિર પરિસરની બિલકુલ બહાર પાડાપીરે પોતાનું આસન કર્યું ત્યારથી સતાધારમાં ગીગાબાપુની સાથે પાડાપીરનું પણ આટલું જ મહત્વ જોવા મળે છે. વર્ષ 1992માં શ્રાવણ મહિનાની બીજના દિવસે પાડાપીર દિવંગત થયા જેને પશુપતિનાથ તરીકે પણ સતાધારની જગ્યામાં આજે પણ પૂજવામાં આવે છે.
આ પણ વાંચો : Papmochani Ekadashi : આ દિવસે શું કરવું અને શું ન કરવું તેનાથી સંબંધિત હકીકતો જાણો