જૂનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામમાં પશુ ક્રૂરતાનો ધ્રુણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં નજીક આવેલ મિનુમાની દરગાહ પર કેટલાક વ્યક્તિઓ એકઠા થઈને દેવીના ફોટા સામે જીવતા પશુને રાખીને અંધશ્રદ્ધાની ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. જેની જાણ ખેતરના માલિક અને ફરિયાદી લલિતભાઈ સોલંકીને થતા તેમણે કેશોદ પોલીસને સમગ્ર મામલાની જાણ કરી હતી. પોલીસે પશુબલીના આરોપી કેશોદના બાવાભાઈ સોલંકી મનોજ પરમાર અને ભુરાભાઈ રાઠોડની પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આધુનિક યુગમાં પણ પશુ બલીની ઘટના: આધુનિક યુગમાં પણ પશુ બલી જેવી ખૂબ જ ધૃણાસ્પદ ઘટના સામે આવી રહી છે. જે ખૂબ ચિંતાજનક માનવામાં આવે છે. સોલંકી પરિવારે પોતાના પરિવારમાં સંતાન તરીકે પુત્રનું અવતરણ થાય તે માટે હિન્દુ ધર્મની દેવીના ફોટા સમક્ષ જીવતા બકરાને રાખીને તેનો બલી આપવાની વિધિ શરૂ કરી હતી. જાગૃત ખેતર માલિકે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પૂર્વે જ બલી માટે આવેલા લોકોએ બકરાને મોતને ઘાટ ઉતારીને માતાજી સમક્ષ વિધિ કરી રહ્યા હતા. જેને કેશોદ પોલીસે રંગે હાથ પકડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
કેશોદ પોલીસ કરી રહી છે તપાસ: સમગ્ર મામલામાં ડીવાયએસપી બી સી ઠક્કરની આગેવાનીમાં કેશોદ પોલીસ તપાસ કરી રહી છે. પશુ ક્રુરતા અધિનિયમ 6 (1) અને (2) તેમજ 11 (1) અંતર્ગત પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને સ્થળ પરથી બલી આપવામાં આવેલા બકરાનો મૃતદેહ સહિત કેટલીક ચીજ વસ્તુઓ પણ હાથ લાગી છે. તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.