જૂનાગઢ: પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર સહાયક ની પરીક્ષા માટેની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે પેપર લીક થતા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી છે. વર્ષ 2014થી લઈને 2023 સુધીના ઘણી પરીક્ષાઓના પ્રશ્નપત્રો પરીક્ષા પૂર્વે જ લીક થતા પરીક્ષાને રદ કરવાની ફરજ પરીક્ષા લેનાર એજન્સી અને સરકારને પડી છે. વધુ એક વખત જુનિયર સહાયકનું પેપર લીક થતા સમગ્ર મામલો હવે રાજકીય ગલિયારાઓમાં પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. 'આપ' નેતા પ્રવીણ રામ અને રેશમા પટેલે પણ તેમની પ્રતિક્રિયા આપી છે અને સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા છે.
રેશમા પટેલે સરકારને ગણાવી કૌરવ સમાન: 'આપ' નેતા રેશમા પટેલ પેપર લીક કાંડ ને રાજ્યની સરકારની એક માત્ર નિષ્ફળતા ગણાવી છે. રેશમા પટેલે રાજ્યની સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે 156 કૌરવો ની છાતી પર રાક્ષસો તાંડવ કરી રહ્યા છે. રાજ્યની સરકારની દેખરેખ નીચે સમગ્ર પેપર લીક કાંડ થઈ રહ્યું છે. યુવાન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાક્ષસો ખીલવાડ કરી રહ્યા છે અને કૌરવો તેની સહમતિ આપી રહ્યા છે. ખૂબ જ આકરા શબ્દોમાં રેશમા પટેલે પેપર લીક કાંડને લઈને ભાજપની સરકારની આકરી ટીકા કરી છે.
આ પણ વાંચો Gujarat Junior Clerk Paper Leak: બે આરોપીઓ વડોદરાની હોટલમાં રોકાયા હતા, સાડા ત્રણ કલાકમાં જ અટકાયત
પ્રવીણ રામે ભાજપની કાઢી ઝાટકણી: પ્રવીણ રામે ભાજપની સરકાર પર આક્ષેપ કર્યા છે કે પેપર ફોડવામાં પરાગત બની ચૂકેલી ભાજપની સરકારે ફરી એક વખત યુવાનો સાથે છેતરપિંડી કરી છે અને પેપર ફૂટવાના કાંડને લઈને પાછલા નવ વર્ષનો કલંકિત ઇતિહાસ ફરી એક વખત પરીક્ષા પાસ કરવા માટે સતત મહેનત કરતા પરીક્ષાઓના માનસપટ પર ઉભો કર્યો છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને યુવાનો ખૂબ જ નાસીપાસ થયા છે ત્યારે રાજ્યની સરકાર સમગ્ર મામલામાં દોષિત છે તેવો આક્ષેપ પ્રવીણ રામે કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે જે એજન્સીઓ પરીક્ષા લઈ રહી છે તેની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે ત્યારે આવી એજન્સીઓને બંધ કરીને ગુણવત્તા યુક્ત પરીક્ષાનું નિર્માણ કરી શકે તેવી એજન્સીઓને પરીક્ષાની જવાબદારી આપવી જોઈએ.
પેપર લીક કૌભાંડ: પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 15 લોકોની અટક કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે.