છેલ્લા એક વર્ષથી જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પરી તળાવમાં એક દીપડાના પરિવારે કાયમી નિવાસ્થાન બનાવ્યું છે. શનીવારના રોજ સવારે 9 કલાકના સુમારે દીપડો યુનિવર્સિટીમાં જોવા મળ્યો હતો. જેથી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા. યુનિવર્સિટીના અધિકારીઓએ આ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. જેથી વનવિભાગે દિપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાની દહેશત હતી. જેને વનવિભાગે પકડી જંગલ વિસ્તારમાં છોડી મુકાયો હતો. પણ દીપડો બીજીવાર જોવા મળતાં આ વખતે દીપડાને પકડવા તંત્રએ ચોક્કસ રણનીતિ ઘડી છે. જેમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના અધિકારીઓએ પણ વન વિભાગના અધિકારીઓ સાથે જોડાયા છે. તેમને વનવિભાગના અધિકારીઓ સાથે મળીને દિપડાના નિવાસસ્થાન તરફ જાત નિરીક્ષણ કર્યું હતું.
આમ, આગામી દિવસોમાં દીપડાને પાંજરે પૂરી એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી ખૂબ જ દૂરના જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની યોજના ઘડવામાં આવી છે.