અમરેલી: અમરેલી જીલ્લામાં અનેક ગ્રામ પંચાયત મહિલા સંચાલિત છે.અને આ મહિલા સંચાલિત ગામમાં સ્માર્ટ ગામ દેવરાજીયા છે. અમરેલી જિલ્લાનું આ દેવરાજીયા ગામ સમગ્ર જિલ્લામાં સૌથી સ્માર્ટ ગામ ગણવામા આવે છે.
આ ગામના સરપંચ સગુણાબેન કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું, કે તેમણે પહેલા 5 વર્ષ માટે ઉપ સરપંચ તરીકે ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ પાંચ વર્ષ માટે તેઓ સરપંચ તરીકે કાર્યરત છે, પોતાનું દેવરાજીયા ગામ સ્માર્ટ ગામ તરીકે ઓળખાય છે અને આ ગામની અંદર 1500 વ્યક્તિઓ વસવાટ કરે છે.ગામમાં તમામ વ્યક્તિઓ હળી મળીને રહે છે.
સ્માર્ટ ગામની સુવિધા: દેવરાજીયા ગામને સ્માર્ટ ગામ તરીકે અમરેલી જિલ્લામાં ઓળખવામાં આવે છે, આ ગામની ખાસિયતની વાત કરીએ ગામની અંદર રોડ-રસ્તા પેવર બ્લોક અને આરસીસી થી તૈયાર કરવામાં આવેલા છે અને રોડની બંને સાઇડ સ્ટ્રીટ લાઈટ અને કેમેરા થી સજ્જ કરવામાં આવ્યા છે. ગામમાં રોડની સાઈડમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે. જેના દ્વારા સમગ્ર ગામની અંદર નજર રાખવામાં આવે છે. ગામમાં શુદ્ધ પાણી માટે આરો વોટરની પણ સુવિધા છે અને તમામ વ્યક્તિઓને આ પાણી પહોંચાડવામાં આવે છે તેમજ ગામને સ્વચ્છ રાખવા માટે સમયાંતરે અને દિન પ્રતિદિન સાફ-સફાઈ કરવામાં આવે છે અને ગામમાં કચરો ઉપાડવા માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
લોકોને આકર્ષતુ દેવરાજીયા ગામ: દેવરાજીયા ગામમાં સ્માર્ટ ગામ પંચાયત આવેલી છે તેમજ સ્માર્ટ શાળાઓ પણ કાર્યરત છે. ગામની જૂની ઝાંખી માટે એક ખાસ સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવ્યું છે આ ખોરડું સ્ટેચ્યુની અંદર જુનવાણી સમયમાં ઉપયોગમાં લેવાતા ઘરવખરીના વાસણ, ગાય, બળદ, ખેડૂત, બળદ ગાડુની પ્રતિકૃતિ બનાવાઈ છે. આ ગામમાં દેશના મહાપુરુષોના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે. ગામની અંદર સમગ્ર ગ્રામ પંચાયતનું સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે ગામની અંદર જીમખાનુ પણ આવેલું છે, તેમજ ગામમાં બગીચાઓ પણ આવેલા છે, હવે ગામમાં ઓપન થિયેટર બનાવવાની કામગીરી પણ મહિલા સંચાલિત ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.