12 વર્ષના ધીરેન નામક સિંહ અને 6 વર્ષની રાણી નામક સિંહણને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી આસામના ગુવાહાટી ઝૂ ખાતે મોકલવામાં આવ્યા હતા. અંદાજિત ત્રણ દિવસ અને 2900 કરતા વધુ કિલોમીટરની મુસાફરી કરીને આ સિંહની જોડી આગામી 15 જુલાઈના રોજ ગુવાહાટી ખાતે પહોંચશે.
સિંહોને મોકલતી વખતે તેમની સુરક્ષા અને આરોગ્યને લઈને ખાસ કાળજી લેવામાં આવી રહી છે. સિંહની જોડીની સાથે પ્રાણીસંગ્રહાલયના દસ જેટલા કર્મચારીઓ પણ ગયા છે. તેમની સાથે એક તબીબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે સિંહોની તબીયત પર નજર રાખશે અને ત્રણ દિવસ દરમિયાન સિંહોના ખોરાક અને પાણીની પણ વિશેષ કાળજી ટ્રેનના કોચમાં જ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી સિંહોનું આદાન-પ્રદાન જૂનાગઢથી નજીકના હવાઈ મથકેથી હવાઈમાર્ગે કરવામાં આવતું હતું. જૂનાગઢથી ગુવાહાટીનો રૂટ 3 હજાર કરતા વધુ કિલોમીટર દૂર હોવાને કારણે આ સિંહોને હવાઇમાર્ગે મોકલવામાં આવશે તેવુ મનાઈ રહ્યું હતું, પરંતુ આ સિંહની જોડીને ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહને અન્ય રાજ્યોમાં મોકલવાની પ્રથા નવાબી કાળથી ચાલતી આવી છે. જે આજે વધુ આગળ વધી છે નવાબી કાળમાં પણ સિંહોને અન્ય જગ્યા પર મોકલવા માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો હતો.