જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતી યુવતી અનોખી પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. આ મહિલા દરરોજ મધરાત્રે ઘરેથી એકલી નીકળે છે ને શ્વાનના ગલુડિયાઓને આહાર પહોંચાડી રહી છે.
મહિલાને લોકો આપી રહ્યા છે દાદ જિલ્લાના કેશોદ તાલુકામાં જ્યારે મોડી રાત્રે લોકો નિન્દ્રાધીન થઈ જાય છે. ગામમાં સ્મશાનવત શાંતિ પ્રવર્તી રહી છે. તે જ સમયે એક યુવતી દરરોજ રાત્રે હાથમાં વજનદાર થેલા પકડીને શેરીએ શેરીએ ફરે છે. ગામમાં સન્નાટો છવાઈ જાય છે, પરંતુ દ્રઢ સંકલ્પ શક્તિ સાથે નીકળેલી હિંમતવાન દિકરી અકલ્પનીય અને પ્રેરણાદાયી સેવા કરી રહી છે. છેલ્લા 17 વર્ષથી એકપણ દિવસ ચૂક્યા વગર સેવા કરતી જુહી કારીયાની સેવાને દાદ આપવી પડે.
ગલુડિયાઓને ખવડાવે છે આહાર કેશોદમાં રહેતી જુહી કારીયા તેના માતાપિતા અને એક બહેન સાથે રહે છે. તેને 7 બહેનો છે. રાત્રે 9 વાગે જુહી શ્વાન માટે દૂધ, છાશ, રોટલી, શિરો સહિતની વસ્તુઓ બનાવી થેલાઓમાં ભરીને નીકળે છે. શેરીઓમાં ફરીને શ્વાન અને નાના ગલુડીયાઓને ખવડાવી નીજાનંદમાં મસ્ત બની જાય છે.
આ પણ વાંચો Makar Sankranti 2023: દાન, પુણ્ય અને ગાયોની સેવા સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવાયું
પિતા કરે છે મદદ કેશોદમાં કરીયાણાની દુકાન ચલાવતા પિતાની પૂત્રી જુહીને બાળપણથી જ શ્વાન પ્રત્યે પ્રેમ અને લાગણી છે. નિઃશ્વાર્થ ભાવથી કરાતી સેવા માટે માતાપિતા સાથ આપવા લાગ્યા હતા. શ્વાનના અન્નદાન માટે જુહી કટલેરીનો સામાન વેચી આવક મેળવે છે. ઉપરાંત સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એક સંસ્થામાં નોકરી કરે છે. પિતા પણ તેને મદદ કરે છે, જેના કારણે રોજ શ્વાનને દૂધ, છાશ, રોટલી, રોટલા, શીરો અને પૌષ્ટીક આહાર આપી શકે છે.
કુતરાના રોટલા માટે નોકરી કરે છે કેટલીક સંસ્થાઓ ખોટા પ્રચારપ્રસાર કરી દાન ઉઘરાવવા અને રૂપિયા ભેગા કરવા અવનવા અખતરાઓ કરી લોકોને ભ્રમિત કરતા હોય છે. તેવામાં જુહી તેની સેવાનો કોઈ પ્રચારપ્રસાર કરતી નથી કે સેવાનો કોઈ ઢંઢેરો પીટતી નથી. તે 17 વર્ષથી એકધારી અતુટ સેવા કરી રહી છે. જુહી કારીયાએ જણાવ્યું હતું કે, મને કોઈ હાઈલાઈટ થવું નથી. મારી મૂકસેવા છે. મને કોઈ દંભ કે દેખાડો કરવો નથી કે, કોઈની પાસેથી દાન મેળવવું નથી. 17 વર્ષથી જુહી એક પણ દિવસ પાડ્યા વગર સતત સેવા કરી રહી છે. તે કહે છે કે, હું બહારગામ જઉં તો પણ સાંજે ઘરે આવી જ જઉં, મારા શ્વાન ભુખ્યા સુવે તો મને આઘાત લાગે મને પીડા થાય. શ્વાનની સેવા કરવાની લગની લાગી છે. તે માટે મેં માર પણ ખાધો છે.
શ્વાન તેની રાહ જુએ છે રાત પડતાં જ શ્વાન જુહીની રાહ જોતા હોય છે. જુહીનો અવાજ સાંભળતાં જ શ્વાન દોટ મુકી જુહીને ભેડી પડે છે. જુહી શ્વાનને જમાડે છે. સાથે જ તેમના માટે ઘર પણ બનાવી દે છે. ઉપરાંત સારવાર માટે શ્વાનને હોસ્પિટલ પણ પહોંચાડે છે.