સુરતમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં 20 કરતા વધુ બાળકો એ તેમનો જીવ ગુમાવ્યો હતો, જેને લઈને રાજ્ય સરકાર તાકીદે હરકતમાં આવીને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ખાનગી ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ અધિકારીઓને તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા શનિવારના રોજ તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જૂનાગઢ મનપામાં આવતા તમામ વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવીને ક્લાસીસમાં સુરક્ષા અને ફાયર સેફ્ટીને લઈને સઘન તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અધિકારીઓ દ્વારા કોઈપણ શૈક્ષણિક સંસ્થા તેના માનાંકો કરતા નીચી વ્યવસ્થાઓ ધરાવતાં હશે તેવી તમામ શૈક્ષણિક સંસ્થાઓ સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આકરા પગલા ભરવામાં આવશે. સુરતમાં બાળકોનો ભોગ લેવાયો છે, ત્યારે સરકાર અને જિલ્લાના અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને અત્યારથી તપાસ કરવાની રણનીતિ બનાવી દીધી છે. જેના ભાગરૂપે શનિવારથી જ જૂનાગઢ શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે. જે રિપોર્ટના આધારે ખાનગી ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ પગલાં લેવાની રણનિતી હાથ ધરવામાં આવશે.
સુરતમાં બનેલી ઘટનાથી સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર પદાર્થપાઠ લઈને હવે એક્શન મૂડમાં જોવા મળી રહ્યું છે, શુક્રવારે બનેલી ઘટના બાદ રાજ્યના તમામ કલેક્ટરોને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે, આજે શરૂ થયેલી તપાસ કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે તો ખાનગી ટ્યુશન ક્લાસીસ જે સુરક્ષાને અવગણીને તેમના હાટડાઓ ચલાવી રહી છે તેના પર નિયંત્રણ આવશે. તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે જે રાજકીય પક્ષો સાથે જોડાણ ધરાવે છે અથવા તો રાજકીય પક્ષના કાર્યકરો છે જે લોકો મોટી શેક્ષણિક સંસ્થાઓ ચલાવતા હોય છે તેમાં પણ સુરક્ષાને લઇને ખૂબ મોટો દુર્લક્ષ સેવવામાં આવતું હોય છે, જે અટકાવી શકાય તેમ છે.