જૂનાગઢઃ આવતી કાલે મકરસંક્રાંતિનો તહેવાર છે ત્યારે જૂનાગઢ ની પતંગ બજારમાં મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉમટી પડ્યા છે. છેલ્લી ઘડીએ પતંગની ખરીદી જૂનાગઢમાં અગાઉ ભાગ્યે જ જોવા મળતી હતી. આ વર્ષે ઉત્તરાયણના આગલા દિવસે જૂનાગઢની પતંગ બજારમાં ખરીદી માટે ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
પતંગ રસિકો ઉમટ્યાઃ મકરસંક્રાંતિનો તહેવાર મનાવવા માટે જૂનાગઢના પતંગ રસીકો ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. જૂનાગઢની સ્થાનિક પતંગ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં પતંગ રસિકો પતંગ અને દોરી ની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. આ પ્રકારના દ્રશ્યો મકરસંક્રાંતિ પૂર્વે જૂનાગઢમાં ભાગ્યે જ જોવા મળ્યા હશે. પતંગ રસિકો પતંગ દોરી સહિત ઉતરાયણ ની અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે રીતસર બજારમાં ભીડ લગાવી રહ્યા છે. ધીમે ધીમે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મકરસંક્રાંતિના દિવસો દરમિયાન પતંગ ચગાવવા માટે નવા માહોલનું સર્જન થતું જાય છે. જેની સાબિતી આજે પતંગ બજાર માં પતંગ ખરીદવા માટે આવેલા લોકોની ભીડ છે.
પતંગ દોરીમાં વિવિધતાઃ આ વર્ષે પતંગ અને દોરીના બજારમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળતી છે. અત્યાર સુધી ઉતરાયણના દિવસો દરમિયાન ખંભાત અને ગુજરાતની સ્થાનિક પતંગ અને દોરી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે ગુજરાતની સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની પતંગ-દોરી પણ બજારમાં જોવા મળી રહ્યા છે. જેને પતંગ રસિકોમાં પહેલી પસંદ બનાવીને ખરીદી કરી રહ્યા છે. તેથી જ અંતિમ કલાકોમાં જૂનાગઢ ની પતંગ બજારમાં ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અમે ઉત્તરાયણમાં ડીજે અને જમણવારનું આયોજન કર્યુ છે. અમે આ પર્વે પતંગ અને દોરી ખરીદ્યા છે...ભાવિન સિંધવ(પતંગ રસિક, જૂનાગઢ)