જૂનાગઢના ઇતિહાસમાં સોમવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સાંજના 5:30 કલાકે સર્જાયેલા ટ્રાફિક જામની સમસ્યા સાંજના 7 વાગ્યા સુધી પણ પૂર્વવત નહીં થતાં જૂનાગઢના વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી સાંજના સાડા પાંચ વાગ્યે દેલવાડા જૂનાગઢ અને અમદાવાદ, વેરાવળ એ બે ટ્રેન એક સમયે જૂનાગઢ આવે છે. જેને કારણે જૂનાગઢ શહેરમાં આવેલા સાત ફાટકો એકસાથે બંધ થાય છે જેને લઇને આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
સાંજનો આ સમય જૂનાગઢ શહેરમાં ભારે અવરજવરવાળો માનવામાં આવે છે. આ સમયે જૂનાગઢવાસીઓ તેમની ખરીદી કરવા માટે બજારમાં આવે છે, તો બીજી તરફ નોકરી તેમજ અન્ય ધંધા માટે આવેલા લોકો તેમના ઘર તરફ પરત ફરે છે. જેને કારણે જૂનાગઢના તમામ વાહનો રોડ પર જોવા મળતા હોય છે ત્યારે એક સમયે તમામ 7 ફાટકો બંધ થતાં જૂનાગઢમાં ટ્રાફિકજામની ભારે અંધાધૂંધી સર્જાઈ હતી.
તો બીજી તરફ બરાબર આ જ સમયે જૂનાગઢમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે લોકો વરસાદથી બચવા માર્ગો પર ઉભા રહી ગયા હતા જેથી શહેરના તમામ માર્ગો પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. જેને દૂર કરવા માટે પોલીસને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રાફિકજામની ભારે સમસ્યામાં બે એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલ તરફ જઈ રહ્યા ન હતા જેને કારણે કોઈ માઠા સમાચાર મળ્યા ન હતા.
પરંતુ આવા ટ્રાફિકજામની વચ્ચે કોઈ એમ્બ્યુલન્સ ફસાય તો દર્દીને તબીબી સારવાર મળે તે પહેલા જ તેનુ એમ્બ્યુલન્સમાં પ્રાણ પંખેરૂ ઉડી શકે છે. લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપ દ્વારા શહેરના માથાના દુખાવા સમાન ફાટકોને દૂર કરવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી આ બાબતમાં એક પણ રાજકીય પક્ષ કે કોઇ પણ સરકાર વિચારતી નથી જેને લઇને જૂનાગઢવાસીઓને ભારે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.