જૂનાગઢ : શહેર જિલ્લાના ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો હતો. સોરઠમાં પડેલા અતિભારે વરસાદને કારણે હવે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારની સમસ્યાઓ શરૂ થાય છે. કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામમાં ઓજત નદીનો પાળો તૂટતા પૂરનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. જેને કારણે લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર ચોમાસા દરમિયાન પુર અને વરસાદી પાણીને કારણે ડુબાડુબા બનતો હોય છે, ત્યારે આ વર્ષે પ્રથમ વરસાદમાં ઘેડ વિસ્તાર ધીમે ધીમે વરસાદી પાણીમાં ડૂબતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત માણાવદરથી શિક્ષક બામણાસા આવી રહ્યા હતા, જેની કાર વરસાદી પાણીમાં ફસાતા તેને સ્થાનિક ગામ લોકોએ બચાવીને શિક્ષકને હેમખેમ બહાર કાઢ્યા હતા.
માધવરાય મંદિર પાણીમાં ગરકાવ : પ્રાચી ગામ નજીક આવેલું સરસ્વતી નદી પાસે બનેલું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળે છે. અતિ ભારે વરસાદને કારણે માધવરાય મંદિરમાં સરસ્વતી નદીનું પાણી ફરી વળ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી માધવરાય મંદિર ચોમાસા દરમિયાન અનેક વખત વરસાદી અને પૂરના પાણીમાં ગરકાવ થતું જોવા મળે છે. તો બીજી તરફ હજુ પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વગર વરસાદે પૂરની સ્થિતિ : પંથકમાં ઓઝત હિરણ સરસ્વતી નદીઓમાં પૂરની શક્યતાઓને નકારી શકાતી નથી. ખાસ કરીને ઓઝત અને ઉબેણ નદીમાં આવેલા પૂરને કારણે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે. આજ સવારથી જ કેટલાક ગામોમાં ઓઝત નદીનું પાણી ફરી વળ્યો છે. જેને કારણે આ ગામોમાં વગર વરસાદે પણ પૂરની સ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે.