આગામી 21મી જુલાઈએ જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓને લઈને પ્રચાર પણ કરવામાં આવતો નથી તેમજ લોકો પણ આવા મુદ્દાને લઈને મતદાન કરતા હોતા નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લોકોને પડતી મુશ્કેલીઓ તેમના વિસ્તારમાં જોવા મળતી અવ્યવસ્થા તેમજ સમસ્યાઓ અને દિવસ દરમિયાન દરરોજ સામનો કરવો પડે તેવી આપદાઓને લઈને મતદાન કરવામાં આવતું હોય છે.
નવાબી કાળથી જૂનાગઢ શહેરમાં સાત જેટલા ફટકો મીટરગેજ ટ્રેન માટે બનાવવામાં આવ્યા છે. જે આજે પણ જોવા મળી રહ્યા છે આ ફટકો હવે જૂનાગઢ મહાનગરના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે
જુનાગઢ રેલ્વે સ્ટેશનથી લઇને વૈભવ ચોક, તળાવ દરવાજા,જયશ્રી રોડ,ભૂતનાથ મંદિર, ગાંધીગ્રામ ગ્રોફેડ અને જૂનાગઢ બાયપાસ સુધીમાં સાત જેટલા રેલવે ક્રોસિંગ બનાવવામાં આવ્યા છે. સવારના 7 થી લઇને રાત્રીના 8 વાગ્યા દરમિયાન આ ટ્રેક પરથી 4 ટ્રેનો પસાર થાય છે. જેને લઇને આ ફાટક 8 વખત બંધ કરવાની ફરજ પડે છે. રેલ્વે લાઇન પર બનાવવામાં આવેલા ફટકો બંધ થતા સમગ્ર જૂનાગઢ શહેર દિવસમાં આઠ વખત બે ભાગમાં વિભાજિત થઈ જાય છે
વર્ષ 2002માં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી જુનાગઢ મનપાની હદ હવે દિવસેને દિવસે વિસ્તરતી જાય છે જેને કારણે વાહનોની સંખ્યા વધી રહી છે. પરંતુ તેની સામે ટ્રાફિક નિયમન અને ફાટકો જેવી માથાના દુખાવા સમાન સમસ્યાઓ ઠેરની ઠેર છે. દિવસ દરમિયાન 8 વખત બંધ થતા ફાટકને કારણે એક જ સમયે અને એક જ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા ઉભી થાય છે.
ફાટક બંધ થવાની સાથે વાહનોના થપ્પા લાગી જાય છે. અને જેવું ફાટક ખૂલે ત્યારે ટ્રાફિકની અફરાતફરી વચ્ચે અવ્યવસ્થા દરરોજની ઘટનાઓ બની રહી છે.
વર્ષ 2018માં જૂનાગઢ મનપાના અધિકારીઓ શાસકો જૂનાગઢના સાંસદ તેમજ ભાવનગર રેલ્વે મંડળ ના અધિકારીઓ અને ઇજનેરો વચ્ચે એક બેઠક યોજાઇ હતી. મનપાના શાસકો અધિકારીઓ તેમજ ભાવનગર મંડળના રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જૂનાગઢ આવીને તમામ સાત ફાટકો પર સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કર્યું હતું અને ફાટકોને કેમ દૂર કરી શકાય તેના માટે હકારાત્મક દિશામાં આગળ વધવાના પ્રતિભાવ આપ્યા હતા પરંતુ બે મહિના બાદ રેલ્વે વિભાગ દ્વારા જૂનાગઢ મનપાને એવી જાણ કરવામાં આવી હતી કે, રેલ્વે વિભાગ આ ફાટકોને લઈને હાલના તબક્કે કશું કરી શકે તેમ નથી
.
જૂનાગઢની જનતા માટે માથાના દુખાવા સમાન બની રહેલા આ ફટકો રેલ્વે વિભાગ દૂર કરી શકે તેમ છે. જેની સામે જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જમીનથી લઇને કેટલીક વ્યવસ્થાઓ કરવાની હોય છે. ત્યારે, આ વ્યવસ્થાઓ કરવામાં જૂનાગઢ મનપાના અધિકારીઓ અને શાસકો છેલ્લા 15 વર્ષથી સતત નિષ્ફળ અને નાકામિયાબ નીવડી રહ્યા છે. 15 વર્ષ પહેલા બનેલી મહાનગરપાલિકા પર ભાજપ અને કોંગ્રેસે સરખા ભાગે સત્તા ભોગવી છે ત્યારે, આપણે એમ ન કહી શકીએ કે કોઇ એક પક્ષના સત્તાધીશો જૂનાગઢની આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે.
જૂનાગઢ મનપા પર ભાજપ અને કોંગ્રેસે સરખા વર્ષો સુધી સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારે, આપણે એમ કહી શકીએ કે બંને મુખ્ય રાજકીય પક્ષો જૂનાગઢની આ માથાના દુખાવા સમાન સમસ્યાને દૂર કરવા માટે ઇરાદાપૂર્વક પીછેહઠ કરતા હોય તેવું લાગી રહ્યું છે.
હવે જ્યારે આગામી 21મી તારીખે જૂનાગઢ મહાનગરપાલિકાનુ મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે મતદારોના માનસપટ પર તેમની સમસ્યાઓ અને તેમનું નિરાકરણ કરનાર રાજકીય પક્ષનું ચિત્ર સ્પસ્ટ હશે તેથી આપણે કહી શકીએ કે જૂનાગઢના નાગરિકો માટે માથાના દુખાવા સમાન આ રેલવે ક્રોસિંગ ની સમસ્યાને લઇને મતદારો મતદાન કરશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે.