જૂનાગઢ: શહેરમાં આવેલી ખાનગી શાળા આજે ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે માર્ગો પર ચાલી રહેલા કામોને કારણે 6 અને 7 એમ બે દિવસ સુધી તમામ પ્રકારનું શિક્ષણ કાર્ય બંધ રાખવાની ફરજ પડી છે. શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના વાલીને પત્ર દ્વારા જાણ કરી છે. શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં અહીંથી ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
વાલીઓમાં રોષ: શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓએ મનપાની અનગઢ નીતિ સામે સવાલો કર્યા છે. જગત અજમેરા એ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે શૈક્ષણિક સંકુલ વિસ્તારમાં જે રીતે પાછલા કેટલાક મહિનાથી કામ ચાલી રહ્યું છે તે પૂર્ણ થવાને લઈને હજુ સુધી કોઈ નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. બીજી તરફ ચોમાસાનો સમય શરૂ થઈ ચૂક્યો છે ત્યારે જૂનાગઢ મનપા તેમજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા બુદ્ધિનું દેવાળિયું ફૂંકાય તે પ્રકારનો નિર્ણય કર્યો છે.
ધારાસભ્યએ લખ્યો પત્ર: ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ ભૂગર્ભ ગટર અને પીવાના પાણીનું જે કામ ચાલી રહ્યું છે તેને તાકીદે અને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરને પત્ર દ્વારા જાણ કરી છે. ચોમાસુ બિલકુલ હાથ વેતમાં છે આવા સમયે જાહેર માર્ગો પર મસ મોટા ખોદાણો અને ત્યારબાદ તેમાં પેચ વર્કનું કામ આજે પણ ખૂબ અધૂરું જોવા મળે છે જે કોઈ મોટા અકસ્માતને નોતરી શકે છે. તાકીદે કામ પૂર્ણ કરીને તેનું પેચવર્ક થાય તેવી માંગ પણ ધારાસભ્ય સંજય કોરડીયાએ પત્ર દ્વારા કલેક્ટર અને કમિશનરને કરી છે