જુનાગઢ: જુનાગઢ પોલીસ દ્વારા ગુનાકીય પ્રવૃતિને ડામવાની સાથે-સાથે નશામુક્તિ અનેે નિરાધાર વડીલોને પોલીસની ઝડપી મદદ મળી રહે તેના ભાગરૂપે એક ખાસ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી અને આ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરાવીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતુ. વિવિધ કેટેગરીમાં અંદાજિત 24 હજાર કરતાં પણ વધુ સ્પર્ધકોએ આ દોડમાં ભાગ લીધો હતો.
હર્ષ સંઘવીની ઉપસ્થિતિ: આ કાર્યક્રમ માટે ખાસ જુનાગઢ આવેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જુનાગઢ શહેર અને જિલ્લાના 3000 કરતા વધુ ગુનેગારોના ડેટા સાથેની એક સાવજ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. જેમાં અગાઉ પોલીસ ચોપડે નોંધાયેલા ગુનેગારોનો તમામ ઇતિહાસ અને રેકોર્ડ જોવા મળશે. જેથી આવા ઈશમોને ઓળખી પાડવા પણ ખૂબ સરળ બનશે. આ તકે હર્ષ સંઘવીએ સિનિયર સિટીઝનો માટે પણ એક વિશેષ એપ લોન્ચ કરી હતી 'દાદા દાદીના દોસ્ત' એપની મદદથી નિરાધાર કે સંતાનો વગર રહેચા વૃદ્ધ વ્યક્તિઓને પોલીસ કર્મચારીઓ તમામ પ્રકારની સવલતો અને મદદો પૂરી પાડશે તેવી વ્યવસ્થા આ એપમાં કરવામાં આવી છે
બાળકો નશાના રવાડે ન ચડે: હર્ષ સંઘવીએ જુનાગઢવાસીઓને અપીલ કરી હતી કે તેમના બાળકો કોઈ પણ નશાના રવાડે ચડે નહીં તે જોવાની જવાબદારી પ્રત્યેક વાલીની હોય છે, જેમાં તમામ વ્યક્તિઓ ખૂબ જ સાવચેતી પૂર્વક આગળ વધે તો નશાના દુષણને દૂર કરવું મુશ્કેલ નથી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નશાના કારોબાર સાથે સંકળાયેલા 3,000 કરતા વધુ આરોપી આજે પોલીસ પકડમાં છે. જેમાંથી 40 કરતા વધુ આરોપી પાકિસ્તાનના હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતને નશામુક્ત ગુજરાત બનાવવાની દિશામાં રાજ્યની પોલીસ કામ કરી રહી છે, જેમાં આ પ્રકારના રમત ગમતના આયોજનો ખૂબ ઉપયોગી સાબિત થશે.