જૂનાગઢ: સમગ્ર દેશમાં રવિવારે લોકડાઉનનો પાંચમો દિવસ છે. ગત ચાર દિવસ સુધી લોકડાઉનને લઈને પોલીસની ઉદાર નીતિનો કેટલાક વ્યક્તિઓ, યુવાનો અને અણસમજુ લોકો કાયદાથી વ્યવસ્થાને મજાકના રૂપમાં લેતા હોય તેવી વિગતો જૂનાગઢ પોલીસને પ્રાપ્ત થઈ હતી. જેથી આવા ટીબળખોર યુવાનોને પકડી પાડવા માટે જૂનાગઢ પોલીસ સતર્ક બની છે.
જૂનાગઢ પોલીસે ત્રીજી આંખ સમા ડ્રોન કેમેરાની મદદ લઈને આવા લોકોને પકડી પાડવા માટે અભિયાન હાથ ધર્યું છે. પોલીસના આ અભિયાનમાં જૂનાગઢ LCB, SOG અને C- ડિવિઝન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ શહેરના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગની સાથે ડ્રોન કેમેરાથી પણ સમગ્ર વિસ્તારની હલચાલનો તાગ મેળવવા માટે આજથી સમગ્ર જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ પેટ્રોલિંગ દરમિયાન કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓ શંકાસ્પદ હલચાલ કરતા હશે તેમજ લોકડાઉન અને જાહેરનામાના ભંગના કિસ્સામાં આવા વ્યક્તિઓ સામે કેમેરામાં પ્રાપ્ત થયેલા દ્રશ્યો મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ પોલીસ વિભાગ કરી રહ્યું છે.