મુંબઈ, રાજસ્થાન, ગુજરાત, ગોવા સહિતના કેટલાક રાજ્યોના લોકોને નાણા ડબલ કરવાની લોભામણી જાહેરાત આપીને છેતરતી ચોર ટોળકીને જૂનાગઢ પોલીસ દ્વારા મુંબઈની આર્થર રોડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટને આધારે જૂનાગઢ લાવીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ વંથલી ચોરવાડ સહિતના તાલુકાઓમાં અથર્વ ફોર યુના નેજા નીચે મહારાષ્ટ્રમાં કંપની બનાવીને લોકોને છેતરતી કંપનીના 4 લોકોને જૂનાગઢ પોલીસે વધુ તપાસ માટે ટ્રાન્સફર વોરંટને આધારે જૂનાગઢ લાવી હતી.
અથર્વ ફોર યુના નેજા નીચે ઇન્ફ્રા એન્ડ એગ્રો નામની કંપની મહારાષ્ટ્રના કેટલાક લોકોએ બનાવી હતી. જેમાં લોકોને તેમના નાણા રોકવાના બદલામાં રોકાણ કરેલા નાણાંને ડબલ કરવાની લોભામણી જાહેરાતો આપીને છેતરવામાં આવતા હતા. જેમાં જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતા જૂનાગઢ પોલીસે કંપનીના 4 જેટલા ચીટરોને મુંબઈમાંથી જૂનાગઢ લાવવામાં આવ્યા હતા.
મુંબઈના નવપાડા વિસ્તરામાં કંપનીનું સંચાલન કરવામાં આવતું હતું. આ કંપની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવા સહીત અન્ય બીજા કેટલાક રાજ્યોમાં પણ ચીટિંગ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ થતાં તમામ 4 આરોપીઓને મુંબઈ પોલીસ દ્વારા પકડી પાડીને આર્થર રોડ ધકેલી દેવામાં આવ્યા હતા. સમગ્ર ચીટિંગ પ્રકરણમાં અંદાજિત 900 કરોડ કરતા પણ વધુનું ચીટિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા તમામ 4 આરોપીઓને જૂનાગઢ લાવીને વધુ તપાસ હાથ ધરી છે.