- લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરનારો નાઈજિરિયા ગેંગનો આરોપી ઝડપાયો
- જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઈમની મદદ લઈ આરોપીને દિલ્હીથી પકડી પાડ્યો
- મેંંદરડાના જીવરાજ પાનસૂરિયાના ખાતામાંથી રૂ. 1.32 કરોડની છેતરપિંડી થઈ
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના જીવરાજ પાનસૂરિયાના એકાઉન્ટમાંથી મિટિંગ કરીને અંદાજિત રૂ. 1.32 કરોડની ઉચાપત કરનારા મૂળ નાઈજિરિયા ગેંગનો જ્યોર્જ માર્ટિનની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે વિગત આપતા સાઇબર ક્રાઇમના ઇન્સ્પેક્ટર આર. કે. ઝાલાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના જીવરાજ પાનસુરીયા નામની વ્યક્તિએ પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢ સાયબર ક્રાઈમની મદદથી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ જૂનાગઢ પોલીસે નાઈજિરિયન ગેંગના આરોપી જ્યોર્જ માર્ટિનની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તેમણે આ પ્રકારનો ગુનો કર્યાની કબૂલાત પણ કરી હતી. આ શખ્સ દ્વારા મુંબઈ અને રાજસ્થાનની મહિલાઓને પણ કરોડો રૂપિયાનો ઓનલાઈન છેતરપિંડી કરીને ચૂનો લગાડવાની વિગતો પણ બહાર આવી છે.
આરોપી સોશિયલ મીડિયા થકી કરતો હતો શિકાર
જૂનાગઢ પોલીસની પકડમાં રહેલો નાઈજિરિયાનો જ્યોર્જ માર્ટિન પોતાના શિકારને સોશિયલ મીડિયા મારફતે શોધતો હતો. સોશિયલ મીડિયા પર સંપર્ક કરી લોકોનો વિશ્વાસ જીતી તેનો ફોન નંબર મેળવી લેતો હતો. જ્યોર્જ માર્ટીને એનજીઓ અને લૉકડાઉનમાં ફસાયેલા લોકોને મદદ માટે તેમને કોઈ પાર્સલ મોકલતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પાર્સલ મોકલ્યા બાદ તેને છોડાવવા માટે રૂપિયા અને બેન્કની વિગતો મેળવીને કરતો હતો છેતરપિંડી
જ્યોર્જ માર્ટિન પોતાની છેતરપિંડીની ઝાળમાં ફસાયેલા પ્રત્યેક વ્યક્તિને એક પાર્સલ મોકલતો હતો ત્યારબાદ તેમની ગેંગના કેટલાક સભ્યો જેતે વ્યક્તિનો સંપર્ક કરીને પાર્સલ છોડાવવા માટે કેટલાક રૂપિયા ચૂકવવા પડશે તેવી માગ કરતો હતો, જેને લઈને આરોપી અને તેની ગેંગના સભ્યો ઓનલાઈન બેન્ક એકાઉન્ટની વિગતો મેળવીને જેતે ખાતાધારકના ખાતામાંથી રૂપિયા ચાઉં કરી જતા હતા. આ અંગેની ફરિયાદને આધારે પોલીસે દિલ્હીના દ્વારકા વિસ્તારના પાલમ રોડ પરથી નાઈજિરિયાના જ્યોર્જ માર્ટિનની ધરપકડ કરીને જૂનાગઢ લાવી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ જૂનાગઢ ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આ જ પ્રકારના ગુનાને આપ્યો છે અંજામ
આરોપી અગાઉ 2016માં ગુડગાંવમાં 15 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ જેતે સમયે તેના સામે નોંધાઈ હતી. વધુમાં રાજસ્થાનની મહિલાને ફસાવીને આ જ પ્રકારે 7થી 8 લાખ રૂપિયા જ્યોર્જ માર્ટિને પડાવ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. વધુમાં આરોપીએ મુંબઈની એક મહિલા પાસેથી પણ અંદાજિત બે લાખ રૂપિયા આ જ પ્રમાણે પડાવ્યા હોવાની વિગતો જૂનાગઢ પોલીસને આરોપી પાસેથી મળી રહી છે.
અનેક મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ મારફતે મહિલા ગેંગની સભ્યો કરતી હતી છેતરપિંડી
આરોપીએ કબૂલ્યું હતું કે, તે અને તેની ગેન્ગની બેથી વધુ મહિલાઓ અલગ અલગ મોબાઈલ કંપનીના 50 નંબરો પરથી છેતરપિંડી કરતા હતા. છેતરપિંડીની જાળમાં ફસાયેલા પ્રત્યેક વ્યક્તિના 60 એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.