જૂનાગઢ: જૂનાગઢ પોલીસે પાછલા 24 કલાક દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે LCB દ્વારા શાંતેશ્વર રોડ પર આવેલા રહેણાંક બહુમાળી ભવન, જોષીપરા વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટ તેમજ જુનાગઢ રાજકોટ રોડ પર રહેણાંક મકાનમાં ચાલી રહેલુ કુટણખાનું પકડી પાડીને દેહવેપારનો પર્દાફાશ કર્યો છે.
ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ: શાતેશ્વર રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પાછલા ઘણા સમયથી દેહવેપાર ચાલી રહ્યો છે. તેવી વિગતો લોકલ ક્રાઈમ બ્રાન્ચને પ્રાપ્ત થઈ હતી. ત્યારે ખખડધજ અને અવાવરું બનેલા એપાર્ટમેન્ટમાં પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કારસ્તાનને ખુલ્લું પાડ્યું હતું. અહીંથી દેહ વ્યાપાર માટે બહારથી બોલાવવામાં આવેલી બે મહિલાઓને મુક્ત કરવામાં આવી છે. અહીંથી રાહુલ રાવ નામના આરોપીને દેહ વ્યાપાર કરાવવા બદલ પોલીસે અટકાયત કરી છે. આ સિવાય સમગ્ર મામલામાં જૂનાગઢના રવિ રાખશીયા, રૂપાબેન રાવ અને રોહિત કવા નામના ત્રણ આરોપી પોલીસ પકડની બહાર છે, જેને પકડી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે
અન્ય બે કુટણખાના ઝડપાયા: આ સિવાય જુનાગઢ દ્વારા પણ શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક એપાર્ટમેન્ટના એક બ્લોકમાંથી પણ કુટણખાનું ઝડપી લીધું છે. પોલીસે દેહ વ્યાપાર કરવા માટે આવેલ બે મહિલાને મુક્ત કરાવી છે. પોલીસે આ મામલામાં બે આરોપીની અટકાયત કરી છે. અન્ય એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ જુનાગઢ રાજકોટ રોડ પર આવેલા રહેણાંક મકાનમાં પણ કુટણખાનું ચાલી રહ્યું હતું. જેને પોલીસે પકડી પાડ્યું છે. અહીંથી પણ પોલીસે બે મહિલાને દેહ વ્યાપાર કરતી ઝડપી પાડવામાં આવી છે. અહીંથી પોલીસે સૂર્યાબેન પરમાર અને અરવિંદ પઢીયારની અટકાયત કરી છે.
'જે આરોપીઓ દેહ વ્યાપાર કરાવવા માટે પકડાયેલા છે તેના વિરુદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે. જે આરોપી હજી પોલીસ પકડથી બહાર છે. તેમને પકડી પાડવા માટે પણ જે તે પોલીસ મથકની ટીમો બનાવીને કામ શરૂ કરાયું છે. આગામી દિવસોમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી અસામાજિક ગુનાઓ ખાસ કરીને કુટણખાના જેવા અતિ ગંભીર ગુનાઓ ન બને તે માટે પણ પોલીસ સતર્કતાથી કામ કરી રહી છે.' - હર્ષદ મહેતા, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક