જૂનાગઢ : 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન સમયની લોકપ્રિયતા અને તેના રાજકીય ક્ષેત્રના દબદબાબાને ધ્યાને રાખીને તેમના જન્મદિવસે જૂનાગઢના ચિત્રકારે અનોખી રીતે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. જૂનાગઢના વિનોદભાઈ પટેલ નરેન્દ્ર મોદીના અનોખા ચાહક છે. તેઓ પાછલા 40 કરતાં વધુ વર્ષથી ચિત્રકલા સાથે સંકળાયેલા છે. તેઓ અત્યાર સુધી ચિત્રકલાની અનેક કારીગીરી બ્રશ અને કલરના માધ્યમોથી કરી ચૂક્યા છે. પાછલા કેટલાક વર્ષોથી તેઓ મુશ્કેલ કહી શકાય તે પ્રકારે પીપળના પાન પર ચિત્ર બનાવવામાં મહારત પ્રાપ્ત કરી ચૂક્યા છે. હાલમાં તેઓએ પીપળાના પાન પર PM મોદીનું તૈલચિત્ર બનાવ્યું છે.
ચિત્રકાર વિનોદભાઈ પટેલ : વિનોદભાઈ પટેલ પાછલી ત્રણ પેઢીથી ચિત્રકલાના ગુણ હસ્તગત કરી રહ્યા છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં ચિત્રકલાના અનેક દ્રષ્ટાંતો રજૂ કરવામાં આવ્યા છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, ડો. આંબેડકર, લત્તા મંગેશકર, અમિતાભ બચ્ચન અને પ્રમુખ સ્વામી સહિત અનેક નામિ વ્યક્તિઓને પીપળાના પાન પર કંડારીને તેમની હસ્તીને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ અમિત શાહનું ચિત્ર પણ પીપળાના પાન પર તૈયાર કર્યું છે. વડાપ્રધાન મોદી જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે વિનોદભાઈ દ્વારા બનાવાયેલા પીપળાના પાન પરનું ચિત્ર તેમને ભેટ કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયના સૌથી મજબૂત રાજનેતા નરેન્દ્ર મોદીના દબદબાને ધ્યાને રાખીને તેમની પ્રતિભાને પીપળાના પાન પર ઉજાગર કરવાનો તેમના જન્મદિવસે એક વિનમ્ર પ્રયાસ છે. -- વિનોદભાઈ પટેલ (ચિત્રકાર)
PM મોદી માટે ભેટ : PM મોદીના ચિત્ર અંગે ચિત્રકાર વિનોદભાઈ પટેલે તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. ETV BHARAT સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયના સૌથી મજબૂત રાજનેતા નરેન્દ્ર મોદીના દબદબાને ધ્યાને રાખીને તેમની પ્રતિભાને પીપળાના પાન પર ઉજાગર કરવાનો તેમના જન્મદિવસે એક વિનમ્ર પ્રયાસ છે. આ ચિત્ર તૈયાર કરવામાં તેમને અંદાજિત 20 દિવસ કરતાં વધુ સમય લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીપળાના પાન પર આબેહૂબ કંડારવાની જે તક મળી તે બદવ તેઓ ખુદને ભાગ્યશાળી માને છે.