જૂનાગઢ : આજે સોમવતી અમાસનો પવિત્ર દિવસ છે. સનાતન ધર્મ સંસ્કૃતિની પરંપરા સાથે જોડાયેલા હિન્દૂ ચંદ્ર કેલેન્ડર મુજબ જે દિવસે સોમવાર અને અમાસનો પવિત્ર સંયોગ થતો હોય આવા દિવસને સોમવતી અમાસ તરીકે ઉજવવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે પવિત્ર નદી સરોવર કે ઘાટોમાં સ્નાન કરીને પિતૃ મોક્ષાર્થનું કાર્ય કરવાથી આજે પિતૃઓને મોક્ષ મળતો હોય છે તેવી ધાર્મિક પરંપરા સોમવતી અમાસ સાથે જોડાયેલી છે. ત્યારે જૂનાગઢમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં વહેલી સવારથી ભાવી ભક્તોએ પોતાના પિતૃઓના કલ્યાણ અને મોક્ષાર્થે સ્નાન અને પૂજા વિધિ કરીને સોમવતી અમાસની ધાર્મિક ઉજવણી કરી હતી.
સોમવારને મહાદેવનો વાર માનવામાં આવે છે. તેમજ મહાદેવને સ્મશાનના દેવ તરીકે પણ સનાતન ધર્મમાં પૂજવામાં આવે છે. ત્યારે આજે સોમવાર અને અમાસનો વિશેષ સંયોગ સર્જાયો છે જે પિતૃ મોક્ષાર્થ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આજના દિવસે કરેલું પ્રત્યેક ધાર્મિક દાન પુણ્ય પૂજા અને સ્નાન શુભ ફળ આપનારું હોવાની પણ ધાર્મિક માન્યતા છે. જેથી ખૂબ મોટી સંખ્યામાં સોમવતી અમાસના દિવસે ભાવિકો પવિત્ર નદી સરોવર અને ઘાટોમાં સ્નાન કરવાની સાથે પૂજા વિધિ કરીને સોમવતી અમાસનું ધાર્મિક પુણ્ય પ્રાપ્ત કરતા હોય છે...નીલેશભાઈ પુરોહિત(દામોદર કુંડના તીર્થ પુરોહિત )
વર્ષમાં બાર અમાસ : સનાતન ધર્મ સાથે જોડાયેલા હિંદુ પંચાંગ મુજબ ચંદ્ર કેલેન્ડરમાં દર વર્ષે 12 અમાસ આવતી હોય છે. પરંતુ જે દિવસે સોમવાર હોય અને ત્યારે અમાસ આવતી હોય આ સંયોગને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આજના દિવસે પિતૃકાર્યની સાથે ધાર્મિક પૂજા સામાજિક કાર્યો પણ કરવાની વિશેષ પરંપરા ખાસ કરીને સૌરાષ્ટ્રની સામાન્ય લોક સંસ્કૃતિમાં જોવા મળે છે. આજના દિવસને ચંદ્રના નવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી હિન્દુ પંચાંગ જેનો આધાર ચંદ્રના કેલેન્ડર મુજબ હોય છે. તેથી પણ સોમવતી અમાસનો દિવસ ધાર્મિક સામાજિક અને માનસિક રીતે પણ ખૂબ જ મહત્વનો બની રહે છે.
ધાર્મિક સફળતા માટે અતિ મહત્વનો દિવસ : સોમવતી અમાસને ધાર્મિક સફળતા માટે મહત્વનો દિવસ માનવામાં આવે છે. આજના દિવસે દેવ દર્શન પૂજા અને પવિત્ર નદી સરોવર કે તળાવમાં સ્નાન કરવાની સાથે સામાજિક અને ધાર્મિક વિધિ કરવામાં આવે તો આજના દિવસે કરેલા તમામ કાર્યોને ખૂબ જ સફળતા મળતી હોય છે. સોમવતી અમાસના દિવસે પ્રત્યેક ભાવિકોએ ઉપવાસ કરવાની સાથે તેના ઇષ્ટદેવની પૂજા પ્રાર્થના કરવાથી ઇષ્ટદેવની કૃપા સદાય પ્રાપ્ત થતી હોય છે. વધુમાં આજના દિવસે કરેલી પૂજાથી પ્રત્યેક નકારાત્મક શક્તિથી દરેક પરિવારોને તેમના ઈષ્ટદેવ મુક્તિ અપાવે છે, જેથી પણ સોમવતી અમાસની પૂજા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.